સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને બૂટલેગર યુવરાજના જામીન અદાલતે ફગાવ્યાં

ભુજ: બૂટલેગર સાથે થાર જીપમાં રાજસ્થાનથી મેળવેલા અંગ્રેજી શરાબની ખેપ મારતી વખતે થયેલા પોલીસ ચેઝ દરમ્યાન, પોલીસ કર્મી પર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કરવાના ચકચારી ગુનામાં આરોપી એવી ફરજ મોકૂફ કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને મોટી ચીરઈના રીઢા બૂટલેગર યુવરાજની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.
ગત 30મી જૂન, 2024ની સાંજે બનેલા ગુનામાં કચ્છ પોલીસે બંને આરોપીઓ સામે સમયમર્યાદાની અંદર તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ દાખલ કર્યાં બાદ આરોપીએ નિયમિત જામીન અરજી કરી હતી. પાછળથી નીતાના વકીલે અદાલતમાં નિયમિત જામીનના બદલે 40 દિવસના વચગાળાના જામીન આપવા રજૂઆત કરી હતી.
આ પણ વાંચો : ભુજમાં ભાજપના નગરસેવકની ઓફિસમાં આતંક: લુખ્ખાઓએ તોડફોડ સાથે કર્યું ફાયરિંગ
બંને પક્ષની દલીલો સાંભળ્યાં બાદ ભચાઉ સેશન્સ અદાલતના ત્રીજા અધિક સેશન્સ જજ અંદલિપ તીવારીએ નીતાની જામીન અરજી ફગાવી કરેલાં અવલોકનમાં જણાવ્યું હતું કે, અગાઉ ગુનાની ગંભીરતાને જોઈ આ અદાલતે મેજિસ્ટ્રેટે આપેલા જામીન રદ્દ કર્યાં ત્યારે આરોપી નાસી ગયેલી અને ભારે પ્રયાસો બાદ પોલીસે તેને ઝડપી હતી.
એ જ રીતે, રીઢા બૂટલેગર યુવરાજનો ગુનાહિત ભૂતકાળ, પોલીસથી તે નાસતો રહ્યો હોવાના તથા પોલીસ પર જીપ ચઢાવી દેવાના ગુનાની ગંભીરતાને અનુલક્ષીને તેની જામીન અરજી પણ નામંજૂર કરી છે. બંને કેસમાં સરકાર તરફે એડવોકેટ ડી.એસ.જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી.