એટ્રોસીટી કેસમાં કોર્ટે ભુજના નગરસેવક ધર્મેશ જોષીની આગોતરા જામીન અરજી ફગાવી
ભુજ: કારને હટાવી લેવા જેવી નજીવી વાતમાં એક શખ્સને જાતિ અપમાનિત કર્યા બાદ મારક હથિયારો વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં ભુજના ભાજપી નગરસેવકની આગોતરા જામીન અરજી સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે.
આરોપી ધર્મેશ સુભાષ રાજગોરે ગત 30મી ઓગસ્ટ,2024ની સાંજના અરસામાં આ ગુનાને અંજામ આપ્યો હતો જેમાં ભુજના લાયન્સ નગરમાં રહેતા રમેશ વણકર નામના 47 વર્ષના આધેડ મુંદરા રોડ પર તેમની ઈકો કારને ચાની હોટેલ બહાર પાર્ક કરીને મિત્ર જોડે કારમાં ચા પીતાં હતા. તે સમયે સ્કોર્પિયો જીપકાર લઈને આવેલા ધર્મેશે આગળ પડેલી ઈકો કારને સાઈડમાં હટાવવા સતત હોર્ન વગાડ્યાં હતા, બાદમાં કારમાંથી લોખંડનો પાઈપ લઈને બહાર નીકળી, કારને હટાવવા દોડી આવેલા રમેશ પર હુમલો કરી દીધો હતો. આ સમયે બોલેરો જીપ લઈને આવેલા ધર્મેશના મોટા ભાઈ કપિલ જોષી પણ ફરિયાદી પર પાવડાના હાથા વડે હુમલો કરવા પ્રયાસ કર્યો હતો.
જે-તે સમયે ભારે ચર્ચાસ્પદ બનેલા આ ગુનામાં નામદાર અદાલતે સહઆરોપી કપિલને આગોતરા જામીન પર મુક્ત કરી દીધો હતો પરંતુ નગર સેવક ધર્મેશની સ્પષ્ટ પ્રથમ દર્શનીય સંડોવણીને ધ્યાનમાં લઈને તેમજ ધર્મેશ પર અગાઉ અન્ય ૬ જેટલા ફોજદારી ગુના દાખલ થયેલા છે અને જો તે જામીન પર છૂટે તો સાક્ષીઓને ધમકાવીને કેસ પ્રભાવિત કરી શકવાની પ્રબળ શક્યતાને જોતાં આરોપીની જામીન અરજીને ફગાવી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
દરમ્યાન, નગરસેવક ધર્મેશ ગોર પર એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાયાને દોઢ મહિનો વીતી ગયો પણ તપાસ કરી રહેલા પશ્ચિમ કચ્છ એસસી/ એસટી સેલ દ્વારા હજુ તેની ધરપકડ કરવામાં આવી નથી જે હાલ ચર્ચાનો મુદ્દો બન્યો છે.