NEET UGનું પરિણામ જાહેર કરવા કોર્ટ NTAને આદેશ કરે: વિદ્યાર્થીની હાઇકોર્ટમાં અરજી
![A young man from Rajasthan bought and married a minor for 8 lakhs and the matter reached the Gujarat High Court](/wp-content/uploads/2024/06/gujarat-high-court.webp)
અમદાવાદ: NEET UG 2024નું પરિણામ જાહેર કરવાની માંગને લઈને એકલ વિદ્યાર્થીએ હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી વિરુદ્ધ વિદ્યાર્થીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. વિદ્યાર્થીએ 5 મેના રોજ ખેડા જિલ્લામાં પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીએ કોર્ટમાં અરજી કરી છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તેનું પરિણામ જાહેર ન કરવામાં આવતા તેનું આગળનું એડમિશન અટકી પડ્યું છે. NTA દ્વારા તાત્કાલિક પરિણામ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે.
હકીકતે 5 મેના રોજ લેવાયેલી NEET UGની પરીક્ષામાં ગેરરીતિ થવાથી વિવાદોમાં ઘેરાણી હતી. જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના અધિકારીઓ અને ટ્રસ્ટીઓ પર NEET UG પરીક્ષામાં ગેરરીતિનો આરોપ લાગ્યો હતો. આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દેશવ્યાપી કૌભાંડની તપાસ કરી રહી છે. અરજી કરનાર વિદ્યાર્થીએ NTA વેબસાઈટ પર નોંધાયેલી NEET પરીક્ષામાં 720માંથી 106 માર્ક્સ મેળવ્યા હતા, પરંતુ તેનું પરિણામ અટકાવી દેવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીએ હાઇકોર્ટને વિનંતી કરી છે કે તે NTAને NEET UG પરીક્ષાનું તેનું પરિણામ જાહેર કરવા નિર્દેશ આપે. તેણે કહ્યું છે કે કોર્ટ આ નિર્દેશ આપે જેથી તે રાજસ્થાનની પશુ ચીકીત્સા મહાવિદ્યાલયમાં પ્રવેશ મેળવી શકે, જ્યાં તેણે પહેલા જ 2.50 લાખ રૂપિયાની ફી જમા કરાવી છે. હવે પ્રવેશ માટે તેણે તેનું NEETનું પરિણામ સબમિટ કરવું પડશે, જે NTA દ્વારા અટકાવવામાં આવ્યું છે.
વિદ્યાર્થીએ હાઈકોર્ટમાં દલીલ કરી છે કે તેને સ્થાનિક પોલીસ તેમજ સીબીઆઈ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. NTAએ તેમને કારણ દર્શક નોટિસ પાઠવીને પૂછ્યું હતું કે NEET પરીક્ષામાં કથિત રીતે અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરવા બદલ તેમની સામે પગલાં કેમ લેવામાં ન આવે.