‘કોર્ટ ભાડા કરારની ઉપરવટ ન જઇ શકે..’ જાણો હાઇકોર્ટે કયા કેસમાં આવી ટિપ્પણી કરી?
અમદાવાદ: શહેરના એક વિસ્તારમાં ભાડુઆત તરીકે રહેતા વ્યક્તિએ લેન્ડગ્રેબિંગ કર્યું છે, એટલે કે પોતાનું મકાન પચાવી પાડ્યું છે તેવી એક મકાનમાલિકે હાઇકોર્ટમાં ફરિયાદ કરી હતી. જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે.
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન ભાડુઆતે દલીલ કરી હતી કે કોરોના કાળ દરમિયાન તેઓ ભાડુ ચૂકવી શક્યા ન હતા. આ મામલે મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે તકરાર થઇ હતી, જો કે તે પછી સ્થિતિ સામાન્ય થતા તેમણે ભાડું ચૂકવી દેવા તૈયારી દર્શાવી હતી. તેમ છતાં ભાડું સમયસર ન મળતા મકાનમાલિકે તેમને ઘર ખાલી કરી દેવા જણાવ્યું હતું. આમ મકાનમાલિક તરફથી ભાડા કરારની શરતોનો ભંગ થયો હતો. ભાડા કરારને કારણે ભાડુઆતે ઘર ખાલી કર્યું ન હતું અને મિલકત પર કબજો કરી લીધો હતો, જેને પગલે મકાનમાલિકે કોર્ટમાં લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં હાઇકોર્ટે ભાડુઆતનો ઉધડો લેતા જણાવ્યું હતું કે તમે ક્યારેય મિલકતના માલિક ન બની શકો. ભાડા કરારની શરતોનો ભંગ થયો હોય તો પણ ભાડુઆત પ્રોપર્ટીનો કબજો પોતાની પાસે રાખી શકે નહિ. આથી ભાડુઆત સામે લેન્ડ ગ્રેબિંગના ગુના હેઠળ કાર્યવાહી થઇ શકે છે. કોર્ટ ભાડા કરારની ઉપરવટ ન જઇ શકે તેવી ટિપ્પણી કરી, આગળની કાર્યવાહી માટે સિવિલ કોર્ટમાં જવાનું હાઇકોર્ટે સૂચન કર્યું હતું.