મોરબીમાં પ્રેમલગ્ન મુદ્દે બન્ને પક્ષ વચ્ચે મારામારીનો બનાવઃ સામસામે ફરિયાદ નોંધાઈ

મોરબીઃ શહેરના યદુનંદન પાર્કમાં રહેતા ગૃહસ્થની દીકરીએ ભાગીને પ્રેમલગ્ન કર્યા હોય જેથી યુવાનના મામાને પોતાની દીકરી કયા છે તે અંગે એડ્રેસ પૂછતાં ઉશ્કેરાઈ ગયેલા યુવાનના મામાએ ઢીકા પાટુનો માર મારી ધાતુની મુઠ કપાળમાં મારી દીધી હતી. જ્યારે સામા પક્ષે યુવાનના મામાએ પણ દીકરીના પિતાએ એડ્રેસ પૂછી ધોકા વડે માર માર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના યદુનંદન પાર્ક 2મા રહેતા ફરિયાદી જયરાજસિંહ કીર્તિસિંહ જાડેજાએ આરોપી ભરતભાઇ નિમાવત તેમજ તેમની સાથે આવેલ એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમની પુત્રીએ ભરતભાઈના ભાણેજ સાથે ભાગીને લગ્ન કર્યા હોય જેથી હાલમાં બન્ને ક્યાં છે તે અંગે એડ્રેસ પૂછતાં આરોપી ભરતભાઇ તથા એક અજાણ્યા ઇસમે ઉશ્કેરાઈ જઈ ઢીકા પાટુનો માર મારી જયરાજસિંહને કપાળમાં ધાતુની મુઠ મારી ઇજા કરી હતી.
આ પણ વાંચો : મોરબી: ‘અમારી ગાડીમાં કોઈકે દારૂની બોટલ મૂકી દીધી’, ઘર્ષણ બાદ RTO અધિકારીનું નિવેદન
સામાપક્ષે ભરતભાઇ નારણદાસ નિમાવતે પણ આરોપી ભરતસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા અને કીર્તિસિંહ જાડેજા વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી આરોપીઓએ તેમની દીકરીએ ભરતભાઈના ભાણેજ સાથે ભાગીને લગ્ન કર્યા હોય હાલ બન્ને કયા છે તે અંગે પૂછતાં ભરતભાઈએ પોતાને ખબર ન હોવાનું કહેતા ગાળો આપી ઢીકા પાટુનો માર મારી લાકડાના ધોકા વડે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.