નવરાત્રી પહેલા રાજકોટમાં કોરોનાએ દીધી દસ્તક, 57 વર્ષીય વેપારીનું સારવાર દરમિયાન મોત

ગુજરાતમાં આ વર્ષે નવરાત્રી પર ઘણા જોખમ તોળાઇ રહ્યા છે, પહેલા વરસાદ, પછી હાર્ટ એટેક અને હવે બાકી રહી ગયું હોય તેમ કોરોનાના નવા વેરીઅન્ટે રાજકોટમાં દેખા દીધી છે. કેટલાક મીડિયા અહેવાલો મુજબ રાજકોટના એક 57 વર્ષીય વેપારીનું કોરોનાના નવા વેરીઅન્ટને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
દરમિયાન જો વાત હાર્ટ એટેકની કરીએ તો એક રિપોર્ટ મુજબ હાર્ટ એટેકથી યુવાનોના સતત થઇ રહેલા મોત અંગે તંત્ર એલર્ટ થયું હતું અને રાજકોટ કલેક્ટરે મેડીકલ કાઉન્સીલ અને ગરબા આયોજકો સાથે બેઠક યોજી વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. બેઠકમાં 108ની ટીમના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત હતા. ગરબા આયોજકોને સીપીઆરની તાલીમ પામેલા સ્ટાફ, ગરબા સ્થળો પર મેડીકલ કાઉન્સીલર, એમ્બ્યુલન્સની સુવિધા, સીપીઆરની તાલીમ દર્શાવતા વીડિયો જેવી સુવિધાઓ રાખવાની તાકીદ કરવામાં આવી છે. રાજકોટ સિવિલમાં પહેલેથી તકેદારીના ભાગરૂપે એક અલાયદો વોર્ડ ઉભો કરી દેવામાં આવ્યો છે જેથી દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે.