Covid 19-JN.1: સાબદા રહેજો, અમદાવાદમાં કોરોનાના 21 દરદી
અમદાવાદઃ દેશભરમા કોરોનાની બીમારી ફરી ત્રાટકી છે અને રોજ રોજ નવા વેરિયન્ટ JN.1VE કેસ વધતા જાય છે તેમ જ મૃત્યુ પણ નોંધાતા જાય છે. આજે 31મી ડિસેમ્બરે ઉજવણી કરવા માટે લોકો જાહેર સ્થળો અને પાર્ટી પ્લોટમાં લાખોની સંખ્યામાં ભેગા થશે. આ સાથે લગભગ દરેક પર્યટન સ્થળો પર સહેલાણીઓ ઊભરાઈ રહ્યા છે અને ધાર્મિક સ્થળોથી માંડી હોટેલોમાં ભીડ જામી છે. ત્યારે કોરોનાની બીમારી ફરી ન ફેલાય તે જરૂરી છે.
ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં જ નવા 21 કેસ કોરોનાના નોંધાયા હોવાની માહિતી મળી છે. જેમાં 15 પુરૂષ અને 6 મહિલાના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. 21 દર્દીઓમાંથી 8 દર્દી ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. અમદાવાદ શહેરના નારણપુરા, બોડકદેવ, જોધપુર, શાહીબાગ, નવરંગપુરા, પાલડી, વાસણા, ઘાટલોડિયા, દાણીલીમડા, મણીનગર, ભાઈપુરા, સરખેજ, ખોખરા અને ઈસનપુર વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે. એટલે કે પૂર્વીય અને પશ્ચિમી એમ બન્ને વિસ્તારોમાં નવા કેસ નોંધાયા છે.
આ સાથે અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 60 પર પહોંચી હોવાની માહિતી મળી છે. જોકે આમાંથી મોટાભાગના દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે અને તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, તેમ છતાં જેમને બીમારી છે તેવા અને નાના બાળકોને ભીડભાડવાળી જગ્યાએ ન જવા સૂચવવામાં આવ્યું છે.
જોકે કેન્દ્ર અને રાજ્યની સરકારે લોકોને ગભરાયા વિના સાવધાની વરતવાની સલાહ આપી છે.