વાઇબ્રન્ટની તૈયારીઓ વચ્ચે ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું, 2 પોઝિટિવ કેસ નોંધાતા દોડધામ

ગાંધીનગર: હાલ રાજ્યમાં વાઇબ્રન્ટનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ગાંધીનગર, અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં બ્યુટિફિકેશનની કામગીરીઓ ચાલી રહી છે, એવામાં એક આશ્ચર્યજનક સમાચારે ગાંધીનગર આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે.
ગાંધીનગરના સેક્ટર-6 વિસ્તારમાં 2 સગી બહેનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેમાં થોડા દિવસ પહેલા જ કેરળમાં કોરોનાનો જે નવો વેરીઅન્ટ મળ્યો હતો તે મળવાની આશંકા છે. આ બંને બહેનો દક્ષિણ ભારતનો પ્રવાસ કરીને આવી હતી. તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બંને બહેનોએ વેક્સિનના બંને ડોઝ લીધા હતા. આરોગ્ય વિભાગે જીનોમ સિક્વન્સિંગ માટે બંનેના સેમ્પલ મોકલી આપ્યા છે. આ બહેનોને હોમ આઇસોલેટ કરીને સારવાર આપવામાં આવી રહી છે.
બંને કર્ણાટક સહિતના રાજ્યોની મુલાકાત લઇને પરત ફર્યા હતા. કર્ણાટકમાં હાલ સરકારે કોરોના ગાઇડલાઇન્સના પાલનની ચેતવણી સાથે એડવાઇઝરી જાહેર કરી દીધી છે. એક તરફ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, એવામાં કોરોનાએ રિ-એન્ટ્રી કરતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. દેશમાં સૌથી પહેલો કોરોનાનો કેસ કેરળમાં નોંધાયો હતો, આ વખતે કોરોનાનો નવો વેરીઅન્ટ JN.1 નો કેસ પણ કેરળમાં જ નોંધાયો છે.



