આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

ગુજરાતમાં ‘સહકારી ભાજપ વિરુદ્ધ સરકારી’ ભાજપ; એપી સેન્ટર અમરેલી ?

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો બાદ જે કઈ નવા જૂની થાય તેનું એપી સેન્ટર અમરેલી હોય તો નવાઈ નહીં. ઇફ્કોના ચેયરમેન દિલિપ સંઘાણીના 71 વર્ષમાં પ્રવેશનો ભવ્ય જલસો યોજાયો, કહેતા તો શક્તિ પ્રદર્શન પણ કહી શકાય. પણ આ મોરચો ભાજપના પ્રદેશ અધ્યક્ષા સી આર પાટિલ સામે હોય તો નવાઈ નહીં રહે. સહકારમાં ઇલું ઇલું વાળું પાટિલનું નિવેદન અને સંઘાણીનો વળતો પ્રહાર હવે સહકારી ભાજપાઈ વિરુદ્ધ સરકારી ભાજપાઈનો સીધો મુકાબલો હોવાનું જાણકારો માને છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષા સી આર પાટિલ જ્યારથી પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી સૌરાષ્ટ્રની એક ધરીને પાટિલનું વલણ અરુચિકર લાગ્યું છે. અમરેલીમાં સંઘાણીના ભાવિ સન્માનમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, દિલિપ સંઘાણી, જયેશ રાડદિયા, નારણ કાછડિયા અને પરસોત્તમ રૂપાલા સહિત સૌરાષ્ટ્ર ગુજરાતનાં સહકારી ક્ષેત્રના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. અહીં કડવા-લેઉવા પાટીદારોનો પણ સંગમ રચાયો. હવે નારણ કાછડિયાનો અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુતરીયા વિરુદ્ધનો બળાપો અને સંઘાણીનું સમર્થન એ પ્રદેશ ભાજપને સીધો પડકાર છે ? અમરેલી લોકસભા બેઠક માટે ભરત સુતરિયાનું નામ કેવી રીતે ઊભરી આવ્યું ? તેના પર પણ તર્ક વિતર્ક શરૂ થયા છે. તો સામા પક્ષે ભરત સુતરિયાએ પણ નારણ કાછડિયાના આરોપો બાદ થેંક્યું ..થેંક્યું કહીને પૂર્વ સાંસદ કાછડિયાનો આભાર માન્યો છે. સંઘાણીના સમારોહ પછી લાગે છે કે, તીર ચઢી ગયું છે. પણછ પણ ખેંચાઇ ચૂકી છે હવે સંધાન માત્રની વાર છે.

રૂપાલા વિરુદ્ધ કોણ કોણ ભાજપાઈ ? રાજકોટમાં ‘રંગત’

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરૂદ્ધ સ્થાનિક ભાજપના આગેવાનો જ કાર્ય કરી રહ્યા હતા ? રૂપાલાને હરાવવામાં કોને વધુ રસ હતો અને શા માટે ? તેના પર લાંબી કવાયદ થઈ છે. સૂત્રો કહે છે તેમ રાજકોટ ભાજપના લગભગ 18થી 20 નેતાઓના નામ રૂપાલાના ‘ખિસ્સે’ આવી ગયા છે. હવે લોકસભા ચૂંટણીનાં પરિણામ બાદ આ ચિઠ્ઠીનું મોટા પાયે નિરાકરણ થશે. ક્ષત્રિય આંદોલનને ભાજપમાં જ રહીને વધુ હવા આપવાના પણ કેટલાકે પ્રયત્ન કર્યા હતા. સમગ્ર પ્રદેશ ભાજપની નેતાગીરી અને સરકારના મંત્રીઓ-ક્ષત્રિય સમાજના ભાજપાઈ નેતાઓને મેદાનમાં ઉતારવા છ્તા કોઈ સંતોષ જનક પરિણામ ના મળતા, મતદાનના દિવસ સુધી ઉચાટ રહ્યો અને કેટલીક જગ્યાએ મતદાન પણ ઓછું થયું હતું.

હવે રાજકોટ બેઠક પર જીતના સધિયારા સાથે રૂપાલા મક્કમ છે અને પાર્ટી પણ અંદરના જ દ્વેષીઑ સામે પગલાં લેવા અડીખમ. ત્યારે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં સૌરાષ્ટ્રના રાજકારણના પટકથા લેખક, દિગ્દર્શક, નિર્માતા એક,એકના નામ સામે આવશે.ત્યારે ભાજપમાં નયા ગુજરાતનાં ભાજપના મંડાણ થાય તેની પણ રાહ જોવાઈ રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?