વડનગરમાં 22 કરોડના ખર્ચે સ્થપાશે કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ
!["New construction skill training institute in Vadnagar with students and vocational tools"](/wp-content/uploads/2025/02/construction-skill-institute-vadnagar-training.webp)
ગાંધીનગર: ગુજરાત સરકાર અને લાર્સન એન્ડ ટુબ્રો L&T લિમિટેડ વચ્ચે મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા લાર્સન એન્ડ ટુબ્રો L&T લિમિટેડ વચ્ચે કરવામાં આવેલા MoU અન્વયે L&T ઉત્તર ગુજરાતના વડનગરમાં કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ (CSTI)ની સ્થાપના કરશે.
રાજ્ય સરકાર અને L&T વચ્ચે એક મહત્વપૂર્ણ MoU
પ્રાપ્ત વિગતો અનુસાર આજે રાજ્ય સરકાર અને L&T વચ્ચે એક મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યા છે. જે અન્વયે L&T ઉત્તર ગુજરાતના વડનગરમાં કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ (CSTI)ની સ્થાપના કરશે. રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર વિભાગ દ્વારા આ ઈન્સ્ટિટ્યુટ માટે દસ એકર જમીન ફાળવાશે. રૂ. 22 કરોડના અંદાજિત ખર્ચે શરૂ થનારા આ ઈન્સ્ટિટ્યુટના બિલ્ડિંગનું નિર્માણ તથા અન્ય માળખાકીય સુવિધાઓ અને તાલીમાર્થીઓને રહેવા તથા જમવા સહિતની સુવિધાઓ માટે L&T દ્વારા સી.એસ.આર. અન્વયે ખર્ચ કરાશે.
શ્રમ, રોજગાર તથા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, મુખ્ય પ્રધાનના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ તથા અગ્ર સચિવ ડો. વિનોદ રાવ પણ આ MoU સાઈનિંગ સમયે ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ વિસ્તારના વિવિધ વિકાસકામો તથા ભારતમાલા પ્રોજેક્ટ્સ અને બાંધકામ ક્ષેત્રના અન્ય મેગા પ્રોજેક્ટ્સ માટે બાંધકામ ટેક્નોલોજીના જ્ઞાનકૌશલ્યથી સજ્જ તાલીમબદ્ધ યુવાધન ઉપલબ્ધ કરવામાં આ ઈન્સ્ટિટ્યુટ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
Also read: વડનગરમાં સપ્તઋષિનો આરો તથા દાઈલેકને 1,264 લાખના ખર્ચે વિકસાવાની પ્રક્રિયા શરૂ
ઉત્તર ગુજરાતના યુવાનો માટે સંસ્થા બનશે મહત્વપૂર્ણ
આ ઈન્સ્ટિટ્યુટ ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા તથા પાટણ જિલ્લાના યુવાઓ માટે વડનગરની આ તાલીમ ઈન્સ્ટિટ્યુટ ઉપયોગી બનશે. આ ઈન્સ્ટિટ્યુટમાં સ્ટ્રક્ચરલ એન્ડ ફિનિશિંગ ટેક્નિશિયન, સ્માર્ટ સિટીઝ માટે (સી.સી.ટી.વી. અને ઓ.એફ.સી.) ટેક્નિશિયન, સોલાર એન્ડ ટ્રાન્સમિશન લાઈન ટાવર ઈરેક્શન ટેક્નિશિયન તથા ફાયર લાઈફ સેફ્ટી એન્ડ ટેક્નિશિયન જેવા ટૂંકાગાળાના અભ્યાસક્રમોમાં તાલીમ આપવામાં આવશે. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને આવાસ, ભોજન સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. તેમ જ દર વર્ષે 1000થી વધુ યુવાઓ આ શોર્ટ ટર્મ કોર્સીસનો લાભ લઈ શકશે.