ગળપાદર જેલમાં દારૂની મહેફિલ માટે શરાબની બોટલ પહોંચાડનારા સિપાઈની ધરપકડ

ભુજઃ ગાંધીધામ શહેરની ભાગોળે આવેલી ગળપાદર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સળિયા પાછળ બંધ બૂટલેગરો સહિતના ગંભીર કેસના આરોપીઓને શરાબની બોટલો પહોંચતી કરવામાં મદદ કરવા બદલ પોલીસે જેલના સીપાઈ રવીન્દ્ર દિલીપ મુલીયાની ધરપકડ કરી લેતાં પોલીસ બેડામાં ચકચાર પ્રસરી છે.
આજથી અગિયારેક દિવસ અગાઉ પૂર્વ કચ્છ પોલીસે આયોજનબધ્ધ રીતે વિવિધ ટૂકડીઓ બનાવીને મધરાત્રે જેલમાં ત્રાટકીને હાથ ધરેલા સરપ્રાઈઝ ચેકિંગ દરમ્યાન પોલીસે શરાબની મહેફિલ માણતાં ૬ શખ્સોને ઝડપી પાડ્યાં હતાં.સર્ચ દરમિયાન પીધેલાં કેદીઓ ઉપરાંત અન્ય ચાર બંદિવાનો પાસેથી એપલ આઈફોન જેવા લકઝરી મોબાઈલ ફોન અને ૫૦,૦૦૦ની બિનવારસુ રોકડ રકમ પણ મળી આવી હતી.
અત્યાર સુધીની પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, જેલમાં દારૂની બોટલ ગાંધીધામના રીઢા બૂટલેગર મનોજ ઊર્ફે પકાડો માતંગે મગાવી હતી. જેલના સળિયા પાછળ રહેલા પકાડોએ મોબાઈલ ફોનથી સ્થાનિક સાગરીતનો સંપર્ક કરીને તેને જેલમાં બાટલી આપી જવા સૂચના આપી હતી અને પકાડાની બેરેક સામે પહેરો ભરતાં રવીન્દ્ર મુલિયાએ આ બાટલી પહોંચાડી આપી હતી.
આ પણ વાંચો : ગાંધીધામના રહેણાંક વિસ્તારમાંથી ગાંજા સાથે બે શખ્સ ઝડપાયા
રાજ્યભરમાં ચર્ચાસ્પદ બની ચૂકેલા ગળપાદર જેલના જલસાકાંડ અંગે પોલીસની ગહન તપાસ હજુ જારી છે. હાઈ સિક્યોરીટી બેરેકની ઉપર બિનવારસી હાલતમાં પડેલાં પચાસ હજાર રૂપિયા ક્યાંથી આવ્યાં તેમજ મોબાઈલ ફોન કેવી રીતે અંદર પહોંચતાં થયેલાં તે મામલે પણ મોટા ઘટસ્ફોટ થવાની તથા અન્ય જેલ કર્મચારીઓની સંડોવણી પાધરી થવાની શક્યતા હોવાનું ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ એમ.ડી.ચૌધરીએ જણાવ્યું હતું.