Conocarpus tree: કોનોકાર્પસ ઝાડથી 3 વર્ષની બાળકીના શ્વસનતંત્રમાં ઈન્ફેક્શન, પિતાએ વૃક્ષોનો નાશ કરવા મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો
ગુજરાતમાં ગ્રીન કવર વધારવા માટે ગુજરાત સરકારે કોનોકાર્પસ(Conocarpus)ના રોપા માત્ર જંગલોમાં જ નહીં પરંતુ રહેણાંક વિસ્તારોમાં પણ આડેધડ રીતે વાવ્યા હતા, પરંતુ આ ઝાડ લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસર કરતું હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. એવામાં સાણંદમાં 3 વર્ષની બાળકીને કોનોકાર્પસ ઝાડને કારણે શ્વસનતંત્રને લગતું ઈન્ફેક્શન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બાળકીના પિતાએ પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કોનોકાર્પસના ઝાડનો નાશ કરવા વિનંતી કરી છે. પિતાએ પત્રમાં જણાવ્યું કે તેની ૩ વર્ષીય બાળકીને છેલ્લા 6 મહિનાથી શરદી, ખાંસીનું ઈન્ફેક્શન થયું છે, કોનોકાર્પસના ઝાડને કારણે આ ઇન્ફેકશન થયું છે.
પત્રમાં બાળકીના પિતાએ જણાવ્યું હતું કે તેમના ઘર પાસેના ખાનગી પાર્ટી પ્લોટ સહિત આસપાસના વિસ્તારમાં, તેમજ બાળકી જ્યાં અભ્યાસ કરે એ બોપલની ખાનગી શાળામાં અનેક કોનોકાર્પસના ઝાડ છે. તબીબોની સલાહ મુજબ બાળકીને શુદ્ધ હવા માટે 2 દિવસ માટે પોલો ફોરેસ્ટ લઇ જવી પડી હતી. તેમણે લખ્યું કે આ વૃક્ષોનું જલ્દીથી નિરાકરણ લાવવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોનોકાર્પસના ઝાડ પર શિયાળા દરમિયાન ફૂલો આવે છે, જે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ આ જ ફૂલ લોકોને બીમાર કરે છે.
ગત સપ્ટેમ્બરમાં એક પરિપત્ર બહાર પાડીને ગુજરાત સરકારે કોનોકાર્પસના ઝાડ વાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ સુંદર દેખાતો છોડ માત્ર લોકોને જ બીમાર નથી બનાવી રહ્યો, પરંતુ પર્યાવરણ પર પણ તેની વિપરીત અસર થઈ રહી છે.
ગુજરાત સરકારે પરિપત્રમાં જણાવ્યું હતું કે હવે કોનોકાર્પસનું વાવેતર રહેણાંક કે જંગલ વિસ્તારમાં કરી શકાશે નહીં. કોનોકાર્પસના ફૂલને કારણે શરદી, અસ્થમા અને એલર્જી જેવા રોગો થાય છે. આ સિવાય તેના પાંદડા પ્રાણીઓ માટે પણ હાનિકારક છે. પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે આ છોડના મૂળ જમીનમાં ખૂબ જ ઊંડે સુધી જાય છે અને ઝડપથી ફેલાય છે. જેના કારણે ટેલિકોમ્યુનિકેશન લાઈનો, ડ્રેનેજ સિસ્ટમ અને પાણી પુરવઠાની લાઈનો માટે પણ જોખમ રૂપ છે.