આપણું ગુજરાત

અમને કોંગ્રેસ પર વિશ્વાસ….” વિસાવદર બેઠક પર કોંગ્રેસ- આપનાં ગઠબંધન પર બોલ્યા ગોપાલ ઇટાલિયા

વિસાવદર: છેલ્લા ઘણા સમયથી પેટા ચૂંટણીની રાહ જોઇ રહેલી વિસાવદર બેઠક પર હવે આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. જેમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ત્યારે હવે આ મુદ્દે કોંગ્રેસ સાથે આપનાં ગઠબંધનને લઈને પણ ચર્ચા થઈ રહી છે. ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીએ સ્પષ્ટતા કરી છે.

આ પણ વાંચો: આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાની કેમ પસંદગી કરી?

અમને કોંગ્રેસ પર વિશ્વાસ: AAP

આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને આપનાં ગઠબંધન અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન અંગે ગોપાલ ઈટાલિયાએ જવાબ આપતા કહ્યું હતું કે, “કોંગ્રસ સાથેનાં ગઠબંધન અંગેનો પ્રશ્ન મહત્વપૂર્ણ છે. જે દિવસે વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આવતી હતી તે સમયે વિસાવદર બેઠક પર ખાલી હતી અને તે સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠક બાદ નક્કી થયેલું કે વાવ બેઠક પર કોંગ્રેસ લડશે અને આપ ઉમેદવાર નહિ ઉતારે, તે જ રીતે વિસાવદર બેઠક પર જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે આપ લડશે અને કોંગ્રેસ ઉમેદવાર નહિ ઉતારે.

અમારી વાતચીત મુજબ અમે ફરજ નિભાવી

તેમણે આગળ કહ્યું હતું કે અમારી વચ્ચે જે ચર્ચા અને વાતચીત થયેલી છે તે મુજબ અમે ફરજ નિભાવી છે. અને આમ કોઇ ઉમેદવાર ઉભો રાખ્યો નહતો એટલે અમને આશા અને વિશ્વાસ છે કે જે પ્રમાણે અમારે વાતચીત થઈ ચૂકી છે તે મુજબ કોંગ્રેસ કોઇ ઉમેદવાર નહિ ઉભો રાખે.

એક સામાન્ય ખેડૂતનાં દીકરાને ટિકિટ

તેમણે પ્રેસ કોન્ફરસમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નિવાસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં મને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યો તે બદલ હું અરવિંદ કેજરીવાલ સહિત રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ ગુજરાતના સૌ નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમણે કહ્યું કે મારા જેવા એક સામાન્ય ખેડૂતનાં દીકરાને ટિકિટ આપી તે બદલ તેમનો અને વિસાવદર અને ભેસાણનાં લોકોનો આભાર.

શા માટે અટકી છે પેટાચૂંટણી?

ઉલ્લેખનીય છે કે વિસાવદર વિધાનસભા બેઠક પર 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા. ભાજપના હર્ષદ રીબડીયાએ તેમની વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેમાં ગેરરીતિના આરોપ લગાવવામાં આવ્યા હતા. આ પિટિશનને કારણે વિસાવદર બેઠક પર ચૂંટણી યોજાઈ શકી નહોતી. જોકે, રીબડીયાએ પિટિશન પરત ખેંચતા ચૂંટણી પ્રક્રિયા માટેનો માર્ગ સાફ થયો છે. રાજકીય સૂત્રોનાં જણાવ્યા અનુસાર વિસાવદર બેઠક પર આગામી મહિનાઓમાં પેટાચૂંટણી જાહેર થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button