આવતીકાલ કોંગ્રેસની ન્યાયયાત્રાઃ મોરબીથી ગાંધીનગર સુધીની યાત્રાનો જાણો રૂટ

અમદાવાદઃ ગુજરાતમાં બનેલી તક્ષશીલા અગ્નિકાંડથી માંડી રાજકોટ અગ્નિકાંડની ઘટનાનાં પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે કૉંગ્રેસે ન્યાય યાત્રાનું આયોજન કર્યં છે, જે આવતીકાલ એટલે કે 9મી ઑગસ્ટથી શરૂ થશે. આ યાત્રામાં કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી જોડાઈ તેવી પૂરી સંભાવના છે.
મોરબીથી ગાંધીનગર સુધી કોંગ્રેસની ન્યાય યાત્રા યોજાવાની છે. જેમાં મોરબીના દરબાર ગઢથી ન્યાય યાત્રાની શરૂઆત થશે, જે ગાંધીનગરના ચાંદખેડા સુધી યોજાશે. આ યાત્રામાં પીડિત પરિવારોજનો, કોંગ્રેસના સૈનિકો, ન્યાયયાત્રીઓ તથા ગુજરાતના નાગરિકો જોડાશે. છેલ્લાં બે વર્ષમાં થયેલી મોરબી બ્રિજ દુર્ઘટનાથી લઈને રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા ગુજરાત કોંગ્રેસ ન્યાયયાત્રા કાઢવામાં આવી રહી છે. મોરબી થી શરૂ થનારી 300 કિલોમીટરની આ યાત્રા ગાંધીનગર સુધી પહોંચશે.
આ પણ વાંચો :ગુજરાતમાં આવતીકાલથી શરુ થશે ‘હર ઘર તિરંગા અભિયાન’
કોંગ્રેસની ન્યાય યાત્રાનો સમગ્ર રૂટ
આવતીકાલે 9મી ઓગસ્ટના રોજ સવારે મોરબીના દરબાર ગઢથી પ્રારંભ કરી ટંકારા પહોંચશે. 10મી ઓગસ્ટના રોજ ટંકારાથી યાત્રા રતનપર પહોંચી રોકાણ કરશે. રતનપરમાં રોકાણ બાદ યાત્રા રાજકોટ તરફ પ્રયાણ કરશે અને 11મી ઓગસ્ટના રોજ રાજકોટ પહોંચશે. રાજકોટમાં રોકાણ બાદ 12મી ઓગસ્ટના રોજ રાજકોટના વિસ્તારમાં ન્યાય યાત્રા ફરશે. ટીઆરપી ગેમ ઝોન ખાતે સંવેદના સભા થશે. ત્યારબાદ યાત્રા બેટી-કુવાડવા પહોંચશે.
13મી ઓગસ્ટના રોજ યાત્રા કુવાડવાથી પ્રયાણ કરશે અને ચોટીલા પહોંચશે. 14મી ઓગસ્ટના રોજ યાત્રા ચોટીલાથી ડોળીયા પહોંચશે. જ્યાં રાત્રી રોકાણ કર્યા બાદ યાત્રા મૂળી તરફ પ્રયાણ કરશે. 15મી ઓગસ્ટના રોજ યાત્રા ડોળીયાથી મૂળી પહોંચશે અને 16મી ઓગસ્ટના રોજ મૂળીથી સુરેન્દ્રનગર પહોંચશે. 17મી ઓગસ્ટે યાત્રા સુરેન્દ્રનગરથી લખતર પહોંચશે. 18મી ઓગસ્ટે લખતરથી છારદ અને 19મી ઓગસ્ટે છારદથી વિરમગામ પહોંચશે.
વિરમગામમાં રાત્રી રોકાણ બાદ યાત્રા 20મી ઓગસ્ટના રોજ છારોડી ખાતે પહોંચી ત્યાથી 21મી ઓગસ્ટે યાત્રા છારોડીથી શાંતિપુરા અને 22મી ઓગસ્ટે શાંતિપુરાથી ચાંદખેડા પહોંચશે. ચાંદખેડામાં રાત્રી રોકાણ બાદ યાત્રા 23મી ઓગસ્ટના રોજ ચાંદખેડાથી ગાંધીનગર પહોંચશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ ન્યાય યાત્રાનું ક્યાંય પણ ઢોલ નગારાથી સ્વાગત કરવામાં આવશે નહીં. ફકત સૂતરની આટીથી જ સ્વાગત કરાશે.