Ahmedabad માં ભાજપ-કોંગ્રેસ કાર્યકરોના ઘર્ષણ કેસમાં પાંચ Congress કાર્યકરની ધરપકડ
અમદાવાદ: સંસદમાં રાહુલ ગાંધીએ આપેલ નિવેદનને લઈને સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે મંગળવારે અમદાવાદ (Ahmedabad)સ્થિત કોંગ્રેસ (Congress)કાર્યાલય પર ભાજપના કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા હતા. ત્યારે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું અને પથ્થરમારો(Stone Pelting) થયો હતો. ત્યારે પોલીસે કોંગ્રેસના અનેક કાર્યકરોની ગઇકાલે અટકાયત કરી હતી જ્યારે આજે કોંગ્રેસના અન્ય પાંચ નેતાની ધરપકડ કરી છે.
સંજય બ્રહ્મભટ્ટ,હર્ષ પરમાર અને મનીષ ઠાકોરની ધરપકડ
પોલીસે આજે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રવક્તા સંજય બ્રહ્મભટ્ટ, નારણપુરા વોર્ડ કોંગ્રેસના પ્રમુખ મનીષ ઠાકોર, શહેર કોંગ્રેસ ઉપ-પ્રમુખ મુકેશ દંતાણી, કાર્યકર્તા વિમલ કંસારા અને એનએસયુઆઇના પ્રવક્તા હર્ષ પરમારની ધરપકડ કરી હતી.
ઘર્ષણમાં એસીપીને પગના ભાગે ઇજા
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ, મંગળવારે ભાજપના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલયે વિરોધ કરવા માટે પહોંચ્યા તે દરમિયાન તેમને અટકાવવામાં આવ્યા હતા અને આ દરમિયાન જ તેના કાર્યકરો એકઠા થવા લાગ્યા હતા. બાદમાં પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો. જેની સામે કોંગ્રેસ કાર્યકર્તાઓએ પણ પથ્થરમારો કર્યો હતો. પોલીસની હાજરી હોવા છતાં સ્થિતિ વણસી હતી અને અંતે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારી વચ્ચે ઘર્ષણમાં એસીપીને પગના ભાગે ઇજા પહોંચી હતી.
આ પન વાચો : કોંગ્રસ કાર્યાલયે સ્થિતિ વણસી : આમને સામને પથ્થરમારો કરતાં પોલીસ કર્યો લાઠીચાર્જ
ભાજપના કાર્યકર્તાઓએ જયશ્રી રામના નારા લગાવ્યા
કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ એકત્ર થયા હતા. બંને પક્ષ તરફથી હિંસક પ્રવૃતિઓ કરવામાં આવી હતી. સામસામે બંને પક્ષે પથ્થરમારો કર્યો હતો અને દંડા ફેંક્યા હતા. વિરોધ માટે પહોંચેલા ભાજપના કાર્યકર્તાઓએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા અને બાદમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
જો કે આ મામલે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે અમારા પક્ષના કાર્યકર્તાઓ શાંતિપૂર્વક માત્ર સ્લોગન બોર્ડ લઈને જ વિરોધ કરવા પહોંચ્યા હતા પરંતુ કોંગ્રેસના કાર્યકરો દ્વારા પથ્થરમારો અને એસિડ-દારૂની બોટલો ફેંકવામાં આવી હતી. આથી અમારા પાંચ કાર્યકરો ઘાયલ થયા છે. અમદાવાદ શહેર ભાજપ દ્વારા કોંગ્રેસના નેતા અને કાર્યકર્તા વિરુદ્ધ એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.