લોકસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસ જાગી: ચૂંટણીસમિતિ અને ૧૦ જિલ્લા પ્રમુખની જાહેરાત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં સૌથી વધુ કંગાળ દેખાવ કરનારી કૉંગ્રેસે હવે લોકસભા ૨૦૨૪ની ચૂંટણી આડે ત્રણેક મહિના બાકી છે ત્યારે સંગઠનને રિપેર કરવાની કવાયત શરૂ કરી છે. કૉંગ્રેસના હાઇકમાન્ડે શુક્રવારે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસની ચૂંટણી સમિતિ અને ૧૦ જિલ્લાઓના કૉંગ્રેસ પ્રમુખોની જાહેરાત કરી હતી.
કૉંગ્રેસના કેન્દ્રીય મોવડી મંડળ દ્વારા જાહેર કરાયેલી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ ચૂંટણી સમિતિમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિત ૪૦ નેતાઓને આ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ૧૦ જિલ્લાઓના સમિતિ પ્રમુખની જાહેરાત પણ કરાઈ છે. લલિત વસોયાને રાજકોટ જ્યારે પ્રતાપ દૂધાતને અમરેલી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.
ચૂંટણી સમિતિમાં શક્તિસિંહ ગોહિલ ઉપરાંત કૉંગ્રેસના વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા, માજી કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જૂન મોઢવાડિયા, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, નારાયણ રાઠવા, દીપક બાબરિયા, મધુસુદન મિસ્ત્રી, શૈલેષ પરમાર, લાલજી દેસાઈ, તુષાર ચૌધરી, સી જે ચાવડા, અનંત પટેલ, વિમલ ચુડાસમા, ગેનીબેન ઠાકોર, પરેશ ધાનાણી, સુખરામ રાઠવા, સોનલબેન પટેલ, પ્રભાબેન તાવિડ, જીજ્ઞેશ મેવાણી, હિંમતસિંહ પટેલ, લલિત કગથરા, ઋત્વિક મકવાણા, અંબરિશ ડેર, કબિર પિરઝાદા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, પુંજા વંશ, વિરજી ઠુમ્મર, વિક્રમ માડમ, ગ્યાસુદ્દિન શેખ, ચંદ્રિકાબેન ચુડાસમા, બળદેવ ઠાકોર, રઘુ દેસાઈ, નૌશાદ સોલંકી, કિશન પટેલ, ગૌરવ પંડ્યા અને ઇન્દ્રનિલ રાજ્યગુરુનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટના જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયા, જૂનાગઢમાં ભરત અમિપરા, અમરેલીમાં પ્રતાપ દૂધાત, અમદાવાદમાં હિંમતસિંહ પટેલ, પંચમહાલમાં ચેતનસિંહ પરમાર, ખેડામાં ચંદ્રશેખર ડાભી, આણંદમાં વિનુભાઈ કાશીભાઈ સોલંકી, વડોદરામાં જશપાલસિંહ પઢિયાર, નર્મદામાં પ્રફુલ પટેલ અને ડાંગમાં મુકેશ પટેલની જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.