Congressના વધુ એક પ્રવક્તા ભાજપમાં જોડાયા, ઉમેદવારી મળી હતી છતાં…
અમદાવાદઃ કૉંગ્રેસના પ્રવક્તા રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા છે. રોહને 22 માર્ચે નારાજગી વ્યક્ત કરીને કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. રોહન ગુપ્તાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપતાની સાથે જ પક્ષના અમુક નેતાઓની કનડગતનો આક્ષેપ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસે રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની ટિકિટ આપી હતી. ગુપ્તાનું નામ પહેલી યાદીમાં જ સામેલ હતું. પહેલા ગુપ્તાએ પિતાની બીમારીનું કારણ આપી ઉમેદવારી પાછી ખેંચી હતી. ત્યારબાદ થોડા દિવસોમાં પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. તે સમયે તેમણે પક્ષના નેતાઓની કનડગતનો આક્ષેપ કર્યો હતો. હવે તેઓ ભાજપમાં જોડાયા છે.
ALSO READ: બંધારણ કોઈ કાળે નહીં બદલાય: કોંગ્રેસના દાવાઓને આઠવલેએ ફગાવ્યા
રોહન ગુપ્તા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ તેમણે ગયા મહિને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. તાજેતરમાં કોંગ્રેસના અન્ય પૂર્વ પ્રવક્તા ગૌરવ વલ્લભ પણ ભાજપમાં જોડાયા હતા.