વેરાવળમાં કોંગ્રેસ દ્વારા ‘સત્યમેવ જયતે’ના નારા સાથે સરકાર અને ઈડી કાર્યવાહીનો વિરોધ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર અને ઈડીની કાર્યવાહી વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ રેયોન ફેક્ટરીથી ભાજપ જિલ્લા કાર્યાલય સુધી વિશાળ રેલી યોજી હતી. આ રેલીમાં કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.
મળતી વિગતો અનુસાર, ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ‘યંગ ઇન્ડિયા’ કેસમાં ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સંપૂર્ણપણે રાજકીય બદઈરાદાથી પ્રેરાઈને કરવામાં આવી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું કે અદાલતે પણ સ્પષ્ટ કર્યું છે કે આ મામલે કોઈ કેસ બનતો નથી અને તે ઈડીના કાર્યક્ષેત્રમાં આવતો નથી, તેમ છતાં કેન્દ્ર સરકાર એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. કોંગી કાર્યકરોએ “સત્યમેવ જયતે” ના નારા લગાવ્યા હતા.
રેલી જિલ્લા ભાજપ કાર્યાલય જવાનાઈ હોય તેને ધ્યાને લઈને જ અગાઉથી જ તૈનાત ચુસ્ત પોલીસ બંદોબસ્ત દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ભાજપ કાર્યાલય પાસે સૂત્રોચ્ચાર કરી રહેલા કાર્યકરોને પોલીસે ડિટેઇન કરી પોલીસ સ્ટેશન ખસેડ્યા હતા.
આ પણ વાંચો…ગુજરાત ચૂંટણીમાં 74 લાખથી વધુની વોટચોરીનો કોંગ્રેસનો ભાજપ પર ગંભીર આરોપ



