હવે કૉંગ્રેસે રમ્યું ક્ષત્રિય કાર્ડ, ચૂંટણી પ્રચારમાં રામ નામનો જાપ પણ કર્યો

અમદાવાદઃ ભાજપ હાલમાં ક્ષત્રિયોના રોષનો શિકાર બન્યો છે અને આ ભભુકેલી આગને ઠારવાનો પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે કૉંગ્રેસે સ્થિતિનો ફાયદો લેવાનું નક્કી કર્યું લાગે છે.
એક તરફ ગુજરાત ભાજપના રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા પર ક્ષત્રિય સમાજનું અપમાન કરવા બદલ પ્રહારો થઈ રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ક્ષત્રિય કાર્ડ રમવાનું શરૂ કર્યું છે. આણંદથી લોકસભાની ચૂંટણી લડી રહેલા અમિત ચાવડા પોતે ક્ષત્રિય છે અને તેમણે આ વાતનો ચૂંટણી પ્રચારમાં પણ ઉલ્લેખ કરવાનો મોકો ઝડપી લીધો. અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. તેઓ વિધાનસભામાં પક્ષના ધારાસભ્ય દળના નેતા પણ છે. અમિત ચાવડા આણંદ બેઠક પર ભાજપના વર્તમાન સાંસદ મિતેષ પટેલ સામે ચૂંટણી લડી રહ્યા છે. પાર્ટીએ પાટીદાર સમાજમાંથી આવતા મિતેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે અમિત ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે.
આ પણ વાંચો : આણંદ લોકસભા સીટ: પાટીદાર V/S ક્ષત્રિય વચ્ચે ચૂંટણી જંગ, ભાજપના મિતેશ પટેલ સામે કોંગ્રેસના અમિત ચાવડા મેદાને
અમિત ચાવડાએ આણંદમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. ભગવાન શ્રી રામ ક્ષત્રિય કુળના હતા. અમિત ચાવડા પણ ક્ષત્રિય કુળના છે. આવી સ્થિતિમાં ભગવાન રામના સૌથી પહેલા આશીર્વાદ કોઈને મળશે તો તે અમિત ચાવડા હશે. અમિત ચાવડા સાફ છબિ ધરાવતા શિક્ષિત ઉમેદવાર છે. કેમિકલ એન્જિનિયર એવા ચાવડા તત્કાલીન મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીના સંબંધી પણ છે. આ બેઠક પરથી અગાઉ માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડી હતી. જોકે ગુજરાતની અન્ય બેઠકની જેમ આ બેઠક પણ બે ટર્મથી પક્ષના હાથમાં આવી નથી. જોકે ગુજરાતમાં ભાજપની આંધી વચ્ચે પણ અમિત ચાવડા 2004થી ક્યારેય ચૂંટણી હાર્યા નથી. 2022માં પણ તેમણે આંકલાવથી ચૂંટણી જીતી હતી. કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂકયા છે.
આ પણ વાંચો : ‘અમને પાછા પાડવાની કોશિશ તો કરશે જ પણ અમે છેક સુધી લાડીશું…’ પદ્મિનીબા વાળા
કોંગ્રેસ રાજ્યમાં ભાજપને ક્લીન સ્વીપ કરતા રોકવાનો પ્રયાસ કરી રહી છે. એક તરફ ક્ષત્રિય સમાજ રાજકોટમાંથી ભાજપના કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાની માંગ કરી રહ્યો છે ત્યારે હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ચૂંટણીમાં ભગવાન રામની એન્ટ્રી કરીને ક્ષત્રિય કાર્ડ રમ્યું છે.