રાજકોટમાં Kanya Rashiના બે નેતાઓ વચ્ચે ટક્કરઃ કૉંગ્રેસ Purushottam Rupala સામે આ નેતાને આપશે ટિકિટ?

અમદાવાદઃ લોકસભા (Loksabah)ની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે અને ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ખરાખરીનો જંગ સાતમી મેના રોજ ખેલાવાનો છે ત્યારે ભાજપ (BJP) અને કૉંગ્રેસ (Congress) બન્ને પક્ષો માટે અમુક બેઠકો પર મજબૂત ઉમેદવાર ઊભા કરવા પડકાર બની ગયો છે.
ભાજપે અત્યાર સુધીમાં ગુજરાતમાં 22 બેઠક પર ઉમેદવાર ઊભા કર્યા છે. જોકે તેમાં વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ સામે પક્ષમાં જ આંતરિક વિરોધ ચાલી રહ્યો છે જ્યારે બનાસકાંઠાના વિધાનસભ્ય રેખાબેન ચૌધરી (Rekha Chaudhri) કૉંગ્રેસના મહિલા ઉમેદવાર અને વિધાનસભ્ય ગેનીબેન ઠાકોર (Geniben Thakore) સામે બાથ ભીડી શકશે કે નહીં તે મામલે પક્ષમાં અવઢવ હોવાથી તેમની ઉમેદવારી પાછી ખેંચાઈ તેવી અટકળો ચાલી રહી છે. બીજી બાજુ જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને મહેસાણા બેઠક પર ભાજપનું કોંકડુ ગૂંચવાયેલુ છે.
કૉંગ્રેસે હજુ માત્ર સાત જ બેઠક પરથી નામ જાહેર કર્યા છે. 2 બેઠક પર આમ આદમી પક્ષ સાથે ગઠબંધન કર્યું છે, તેથી હજુ 17 બેઠક પર નામ જાહેર થયા નથી. કૉંગ્રેસના સૂત્રોનું માનીએ તો પક્ષ મજબૂત ઉમેદવાર શોધવામાં તકલીફ અનુભવી રહ્યો છે. છેલ્લા બે દિવસથી કૉંગ્રેસ યાદી બહાર પાડશે તેવી અટકળો ચાલી રહી છે ત્યારે નવી યાદીના નામો બિનસત્તાવાર રીતે બહાર આવ્યા છે.

જેમાં રાજકોટથી ભાજપના કદાવર નેતા પુરુષોત્તમ રૂપાલા (Purushottam Rupala)ની સામે કૉંગ્રેસના અમરેલીના નેતા અને પક્ષના ભૂતપૂર્વ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) ને ઉમેદવારી આપવાની વાત બહાર આવી છે. રૂપાલા સામે બાથ ભીડી શકે તેવા નેતા કૉંગ્રેસ રાજકોટમાં ન હોવાથી પરેશ ધાનાણી પણ પસંદગી ઉતારવામા આવી હોવાનું કહેવાય છે. ધાનાણી પક્ષ છોડવાના છે તેવી અટકળો થોડા સમય પહેલા વહેતી થઈ હતી. હવે તેમને ટિકિટ આપવાની વાત ચાલી રહી છે. આમ થશે તો રાજકોટનો જંગ રસાકસીનો રહેશે. બન્ને કન્યા રાશિના નામવાળા નેતા રાજકોટની પ્રતિષ્ઠિત માનવામાં આવતી બેઠક પર જંગ લડશે.
આવી જ રીતે કૉંગ્રેસના વિધાનસભ્ય અને પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા અમિત ચાવડાને પણ આણંદથી ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે. આણંદથી પક્ષના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાની ના પાડી દેતા પક્ષે ઉમેદવાર શોધવાની ફરજ પડી છે ત્યારે આ બેઠક પરથી અમિત ચાવડાનું નામ બોલાઈ રહ્યું છે. આ સાથે સાબરકાંઠાથી પક્ષના મજબૂત નેતા તુષાર ચૌધરી અને પાટણથી ચંદનજી ઠાકોરને ટિકિટ આપે તેવી સંભાવના છે.
જોકે પક્ષ જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી અટકળોનું બજાર ગરમ રહેવાનું છે.