કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાનો કેસ: કોંગ્રેસના પાંચેય કાર્યકરોના જામીન નામંજૂર

અમદાવાદઃ ઈન્ડિયા ગઠબંધનના વિપક્ષના નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુધર્મ અંગે આપેલા નિવેદન મામલે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે શહેર ભાજપના કાર્યકરો દ્વારા કરાયેલા દેખાવમાં બન્ને પક્ષના કાર્યકરોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. આ મામલે ભાજપ અને કોંગ્રેસે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે કોંગ્રેસના પાંચ કાર્યકરોની ધરપકડ કરી હતી.
દરમિયાન પાંચ આરોપીઓએ અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે આજે પાંચેય આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. ગઈકાલે (10મી જુલાઈ, 2024)ના રોજ સુનાવણી હાથ ધરાઇ હતી.
કોર્ટે જણાવ્યુ છે કે, કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળીને આજે ચૂકાદો આપતાં અરજદારોના જામીન નકારી કાઢ્યા છે. અને કહ્યુ કે જાહેરમાં પથ્થરમારો કરવો એ અપરાધ છે. જાહેરમાં કાયદો હાથમાં લેવો યોગ્ય નથી.
અત્રે ઉલ્લેખનીય છે આ આરોપીઓ ઉપર રાયોટિંગ, ગેરકાયદેસર મંડળી રચવી, સરકારી કર્મચારીને હાનિ પહોંચાડવી, લોકોના જીવ જોખમમાં મૂકવા જેવા ગુના દાખલ કરવામાં આવ્યા છે. હવે આરોપીઓ જમીન માટે હાઈકોર્ટ જઈ શકે છે.
ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા પથ્થરમારામાં એસીપી, કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહિત સાત લોકોને ઈજા પહોંચી હતી, જેમાંથી માથે પથ્થર વાગતાં પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કર્મરાજસિંહ બેભાન થયા હતા. આ અંગે કર્મરાજસિંહે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં AMCમાં કોંગ્રેસના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, પ્રગતિ આહીર, હેતા પારેખ અને કોંગ્રેસના 200થી 250 જેટલા અને ભાજપના 150-200 કાર્યકરો સામે ફરિયાદ નોંધી હતી. આ કેસમાં અલગ-અલગ કલમો મુજબની ફરિયાદ નોંધવામાં આવી હતી.
Also Read –