કૉંગ્રેસના ધારાસભ્યોએ નકલી તબીબ-દર્દી બની નોંધાવ્યો વિરોધ, વિધાનસભામાં ગુંજ્યો ખ્યાતિ કાંડનો મુદ્દો

ગાંધીનગરઃ હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે ગુજરાત વિધાનસભામાં ખ્યાતિ કાંડ અને રાજકોટની પાયલ હૉસ્પિટલ સીસીટીવીનો મુદ્દો ગુંજ્યો હતો. કૉંગ્રેસના ધારાસભ્યોએ નકલી ડૉક્ટર અને દર્દી બનીને વિરોધ નોંધાવ્યો હતો.
ગાંધીનગર વિધાનસભાના પગથિયા પર જ કૉંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા અને ધારાસભ્યો દ્વારા ‘નાટક’ રજૂ કરી ખ્યાતિ કાંડને રજૂ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી , ઇમરાન ખેડાવાલા, ડૉ. તુષાર ચૌધરી ડૉક્ટર બન્યા હતા. જ્યારે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દર્દી બન્યા હતા.
Also read: ખ્યાતિ હૉસ્પિટલ કાંડઃ ભાજપના નેતાએ ખોયો ભાઈ, સંચાલકો સામે કડક કાયવાહીની માગણી
ખ્યાતિ હૉસ્પિટલનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવો જોઈએઃ અમિત ચાવડા
ગુજરાત વિધાનસભા કૉંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભ્રષ્ટાચારનું રેકેટ ચાલે છે. કમિશન લેવા માટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. આ ભાજપની સરકારમાં કમિશન માટે લોકોના જીવ લેવાયા છતાંય સરકારને શરમ આવતી નથી. દર્દીઓને હૉસ્પિટલ લાવવામાં આવે , તેમને 1500 રૂપિયામાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે. ખ્યાતિ હૉસ્પિટલનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવી જોઈએ અને તેની સીબીઆઈ તપાસ પણ થવી જોઈએ.