કૉંગ્રેસના વિધાનસભ્યો આક્રમકઃ પાંજરાપોળની જમીન મુદ્દે સૂત્રોચ્ચાર
ગાંધીનગર જીલ્લાના મુલાસણામાં પાંજરાપોળને 99 વર્ષના ભાડાપટ્ટેથી અપાયેલી જમીનમાં આચરાયેલા કૌભાંડ અંગે બુધવારે વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, સરકારે વિવિધ પ્રશ્નોના લેખિતમા જવાબ આપ્યા હતા. જેમાં માત્ર એટલુ જ કહ્યુ કે, સીટની એટલે કે, સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની તપાસ ચાલુ છે. હવે આ બાબતે આજે સત્રના બીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્ચોએ વિધાનસભામાં બેઠક શરૂ થાય તે પહેલાં વિરોધ પ્રદર્શન કર્યું છે.
ગુજરાત વિધાનસભામાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગા જમીન કૌભાંડ મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે બીજા દિવસે પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગા મામલે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પોસ્ટરો લઈ ન્યાયિક તપાસ થાય તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગઈકાલે વિધાનસભામાં કોંગ્રેસના અમિત ચાવડા, વિમલ ચૂડાસમા, દિનેશ ઠાકોર, ઉમેશ મકવાણા વગેરેએ મુલાસણાની જમીન કૌભાંડના સંદર્ભમાં વિવધ પ્રશ્નો પૂછ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ પુછેલા પ્રશ્નોમાંથી સરકાર તરફથી માત્ર બે કે ત્રણ પ્રશ્નોના સીધા જવાબો આપવામાં આવ્યા હતાં. જેમકે કૌભાંડમાં પોલીસ ફરિયાદ થઈ છે. જમીન ટોચ મર્યાદાના કાયદાના ભંગની બે ફરિયાદ થઈ છે. એ સિવાયના બાકીના તમામ પ્રશ્નોમાં એવા જવાબો આપ્યા હતાં કે, સીટની રચના કરાઈ છે અને તેની તપાસ ચાલી રહી છે.