Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં વધુ એક ગાબડું, આ વિધાનસભ્યએ આપ્યું રાજીનામું
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કરામી હાર બાદ ગુજરાત કોંગ્રેસના હાલ વધુને વધુ ખરાબ થતા થઇ રહ્યા છે. હવે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે એ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વધુ એક વિધાનસભ્યએ રાજીનામું આપ્યું છે. વિજાપુર મત વિસ્તારના વિધાનસભ્ય ડો. સી જે ચાવડાએ રાજીનામું આપ્યું છે.
સી.જે. ચાવડાએ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને પહોંચીને રાજીનામું આપ્યું હતું. હવે તેઓ ભાજપમાં જોડાશે એવા અહેવાલો છે. વિજાપુર બેઠકથી વિધાનસભ્ય સી.જે.ચાવડાને વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના દંડક તરીકે જવાબદારી અપાઇ હતી. હવે સી.જે.ચાવડાએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. તેઓ આગામી 4 ફેબ્રુઆરીએ સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થઇ શકે છે. અહેવાલો મુજબ તેઓ 5000 કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે.
સી.જે.ચાવડા અગાઉ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી વિધાનસભ્ય રહી ચૂક્યા છે. લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પર અમિત શાહ સામે હાર થઈ હતી. તેઓ અગાઉ વહીવટીતંત્રમાં ડેપ્યુટી કલેકટર તરીકે સેવા આપી ચુક્યા છે.
થોડા દિવસો અગાઉ આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યા બાદ ગુજરાત વિધાનસભામાં સભ્યોની સંખ્યા ઘટીને 181ની થઈ હતી અને વધુ એક રાજીનામા બાદ આ સંખ્યા ઘટીને આજે 180ની થઈ ગઈ છે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 17નું હતું, જે ઘટીને 16નું થઈ ગયું છે.