બોલો કૉંગ્રેસના એક નેતાએ ચૂંટણી લડવા જમીન વેચવા કાઢી
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે હજુ ગુજરાતની તમામ બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા નથી. કૉંગ્રેસની સમસ્યા એ છે કે તેમના અમુક નેતા ચૂંટણી લડવા માગતા નથી. આના કારણ તરીકે એક નેતાએ નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે પક્ષે ચૂંટણી માટે ફંડ આપવાની ના પાડી છે, આથી ઉમેદવારે પોતાને ખર્ચે ચૂંટણી લડવાની છે. લોકસભાનો મતવિસ્તાર મોટો હોઈ, ખર્ચ પણ કરોડોમાં થતો હોય છે, આથી ઘણા નેતાઓ ચૂંટણી લડવાનો ઈનકાર કરે છે. ગુજરાતમાં હજુ પણ ભાજપતરફી વાતાવરણ છે આથી ખર્ચ કરીને હારવાની તૈયારી નેતાઓની ન હોય તે સ્વાભાવિક વાત છે.
કૉંગ્રેસે ભાજપની કેન્દ્ર સરકાર પર આક્ષેપ પણ કર્યો છે કે અમારા બધા અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હોવાથી અમારી પાસે ચૂંટણી લડવા નાણા નથી. આ બધા વચ્ચે એક વાત બહાર આવી છે. કૉંગ્રેસે હજુ વડોદરામાં ઉમેદવાર જાહેર કર્યા નથી. અહીં બે નેતા સાથે વાતચીત ચાલી રહી છે. આ બેમાંથી એક નેતાએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. હવે જાણવા મળ્યું કે આ નેતાએ ફંડ માટે પોતાની આઠેક વીઘા જમીન વેચવા કાઢી છે.
આ નેતાનું નામ તો સત્તાવાર રીતે બહાર આવ્યું નથી, પરંતુ તેમણે લગભગ દોઢેક કરોડની કિંમતની જમીન વેચવા કાઢી હોવાની વાત બહાર આવી છે.
કૉંગ્રેસે ચૂંટણી દરમિયાન પ્રચારના ખર્ચની જવાબદારી ઉમેદવારને સોંપી છે અને જે ઉમેદવાર આપમેળે ખર્ચ ઉઠાવી શકતા હોય તેમને જ ટિકિટ આપવામાં આવશે તેવો અપ્રત્યક્ષ સંદેશો પણ આપવામાં આવ્યો છે, તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.
ત્યારે હવે જોવાનું એ રહેશે કે પોતાના ગાંઠના પૈસા ખર્ચીને ચૂંટણી લડતા આ ઉમેદવારો પક્ષને કેટલી બેઠક પર વિજય અપવાશે.