કૉંગ્રેસે તેના આ ત્રણ નેતાઓથી છેટું રાખ્યું કારણ કે…
એક પક્ષમાં ઘણીવાર નેતાઓ અલગ અલગ નિવેદનો આપી દેતા હોય અને તેના લીધે પક્ષના મોવડી મંડળને જવાબ આપવાનું અઘરું બની જતું હોય છે. ત્યારે પક્ષ એ જે તે નેતાનો વ્યક્તિગત મત હોવાનું કહી વાત વાળી લેતો હોય છે. હાલમાં કૉંગ્રેસે પણ આમ જ કરવું પડ્યું છે. મોરબીમાં ઝૂલતા પુલની ગોઝારી ઘટનામાં 135ના મોત થયા હતા. આ કેસમાં ગુજરાત સરકારની સ્પેશિયલ ઈન્વેન્ટીગેટિવ ટીમે (એસઆઈટી)એ પુલનું પુનઃનિર્માણ, જાળવણી, સંચાલન જેમના હાથમાં હતું તે ઓરેવા ગ્રુપને જવાબદાર ઠેરવતો અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો હતો.
તાજેતરમાં કોંગ્રેસના ત્રણ નેતાઓએ મોરબી બ્રિજ દુર્ઘટનામાં આરોપી જયસુખ પટેલના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. લલિત કગથરા, લલિત વસોયા અને ધારાસભ્ય કિરિટ પટેલ આ ત્રણેય નેતાઓએ એસઆઈટીનો રીપોર્ટને એક તરફી ગણાવ્યો હતો. ત્યારે કૉંગ્રેસના વિધાનસભ્યોના જૂથના નેતા અમિત ચાવડાએ સ્પષ્ટતા કરવી પડી હતી કે કોંગ્રેસ જયસુખ પટેલના બચાવમાં ક્યારેય ના હોઈ શકે. અમારા ત્રણેય નેતાઓના નિવેદન સાથે પક્ષ સંમત નથી. આ સમર્થનની વાત ત્રણેય નેતાઓની વ્યક્તિગત લાગણીઓ હોઈ શકે.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓને કારણે ગુજરાતના લોકોએ ભોગવવું પડ્યું છે કોઈપણ સંજોગોમાં જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ. તાજેતરમાં જ કોંગ્રેસના નેતા લલિત વસોયાએ કહ્યું હતું કે, આ દુર્ઘટના માટે નગર પાલિકા, કલેક્ટર,ચીફ ઓફિસર પણ જવાબદાર છે. અમારી માંગ છે કે મોરબી કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો સાચી તપાસ નહીં થાય તો આંદોલન કરાશે. આ ઉપરાંત પણ અમુક સંસ્થાઓ જયસુખ પટેલના સમર્થનમાં આવી હતી.