કૉંગ્રેસમુક્ત ગાંધીનગરઃ કૉંગ્રેસના બે કોર્પોરેટર ભગવો ધારણ કરે તેવી શક્યતા

અમદાવાદઃ ગાંધીનગર ગુજરાતની રાજધાની છે અને અહીંથી આખા રાજ્યનું સંચાલન થાય છે ત્યારે ગાંધીનગરની ગાદીથી તો કૉંગ્રેસ 30 વર્ષથી દૂર છે, પરંતુ હવે ગાંધીનગર મ્યુનિસિપાલિટી પણ કૉંગ્રેસમુક્ત થવા જઈ રહી છે. કૉંગ્રેસના ગઢ ગણાતા આ શહેરમાં લોકસભાથી માંડી પાલિકામાં એક પણ કૉંગ્રેસી ન હોય તેવો ઘાટ ઘડાયો છે. કૉંગ્રેસના બે કોર્પોરેટર હોળાષ્ટક પછી ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
અહીંની કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટાયેલા બે કાર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાને ભાજપ દ્વારા વિધિવત હોળાષ્ટક પછી પ્રવેશ આપવામાં આવશે તેવી માહિતી મળી છે.
ભાજપ દ્વારા આ બંને કોર્પોરેટરો સાથે છેલ્લા થોડા દિવસોથી બેઠક કરવામાં આવી હતી અને તેમાં ભાજપને સફળતા મળી હોવાનું કહેવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાના સમર્થક એવા આ બન્ને કોપોર્રેટર તેમના પગલે ભાજપમાં જોડાશે. ચાવડા થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા છે.
હાલ 44 પૈકી 41 કોપોરેટર ભાજપના છે ત્યારે બે કોંગ્રેસના કોર્પોરેટરો ભાજપમાં ભળી જાય તો સંખ્યાબળ 43નું થશે. ત્યારબાદ વિપક્ષમાં માત્ર આમ આદમી પક્ષના એક જ કોર્પોરેટર બચશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહ અહીં લોકસભાના સાંસદ છે. આ વખતે પણ તેઓ અહીંથી લડવાના છે. કૉંગ્રેસે તેમની સામે મહિલા ઉમેદવાર સોનલ પટેલને ઉતાર્યા છે.