લૂ લાગવાથી મૃત્યુ પામેલાને વળતર આપોઃ કૉંગ્રેસની માગણી | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

લૂ લાગવાથી મૃત્યુ પામેલાને વળતર આપોઃ કૉંગ્રેસની માગણી

અમદાવાદઃ ગુજરાતમાં ગરમીનો પારો દિવસે દિવસે વધી રહ્યો છે. સમગ્ર ગુજરાતના મોટા ભાગના શહેરોમાં તાપ એટલો આકરો છે કે માત્ર દિવસે નહીં પણ રાત્રે પણ લોકોને રાહત મળતી નથી. દિવસ દરમિયાન 44-46 આસપાસ રહેતો ગરમીનો પારો રાત્રે વધીને બે ડિગ્રી જ ઓછો થાય છે એટલે લોકો 40-42 ડિગ્રીની ગરમીમાં ઊંઘ લેવા મજબૂર છે. સખત લૂ લાગવાને લીધે ઘરે ઘરે બીમારી ફેલાઈ છે. ગુજરાતમાં આજે લૂ લાગવાથી ચાર મોત નોંધાયા છે. આ દરમિયાન ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખી માગણી કરી છે કે લૂ લાગવાથી થતા મૃત્યુ માટે રાજ્ય સરકાર વળતર આપે. તેમણે જણાવ્યું હતું કે 45થી 47 ડિગ્રી ગરમીને લીધે લોકો બીમાર પડી રહ્યા છે અને અમુક ગરમીનો ભોગ બની રહ્યા છે આથી રાજ્ય સરકાર તેમને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી રૂ. ચાર લાખની મદદ કરે.

દરમિયાન મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે ટ્વીટ દ્વારા લોકોને લૂથી બચતા રહેવા અનુરોધ કર્યો છે. તેમણે લૂથી રક્ષણ આપવા સરકાર પણ પૂરતા પ્રયત્નો કરી રહી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : મૃદુભાષી મનાતા ભુપેન્દ્ર પટેલના તીખાં તેવર જોઈ અધિકારીઓને લાગી નવાઈ

રાજ્યમાં મોટા ભાગના શહેરો 44થી વદારે ડિગ્રીથી તપે છે. સૌરષ્ટ્રના શહેરોમાં મોડી સાંજે થોડી રાહત અનુભવાતી હોય છે, પરંતુ અમદાવાદ, વડોદરા અને ઉત્તર ગુજરાતના શહેરોમાં રાત્રે પણ ભારે બફારો અનુભવાતો હોય છે. મોટી સંખ્યામાં પ્રજા ઝૂપડામાં, કે કાચા મકાનમાં રહેતી હોય છે ત્યારે તેમની માટે આ સમય અસહ્ય થઈ ગયો છે. આ સાથે રાજ્ય સરકારે બાંધકામ શ્રમિકો પાસેથી બપોરે 1થી 4 દરમિયાન કામ ન કરાવવાનો આદેશ આપ્યો હોવા છતાં તેનું ઉલ્લંઘન થતું હોય તેવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. રાજ્યમાં આવો ગરમ માહોલ હજુ પાંચ દિવસ રહેશે, તેમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.

Back to top button