આપણું ગુજરાત

Dahej અને Saykha GIDCમાં અબજોના ભ્રષ્ટાચારનો કૉંગ્રેસનો આક્ષેપ

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રવિવારે એક પત્રકાર પરિષદમાં ભાજપ પર પ્રહારો કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે ભાજપે દહેજ અને સાયખા જીઆઈડીસીના પ્લોટની વહેંચણીમાં અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે.

ગોહિલે જીઆઈડીસી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રો વિશે વાત કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર માટેના ષડયંત્રની શરૂઆત એ રીતે થાય છે કે તા. ૨૪-૪-૨૦૨૩ના રોજ દહેજ અને સાયખામાં કેમિકલ ઝોનમાં જમીનના પ્લોટ ફાળવવા માટે જીઆઈડીસી દ્વારા અરજીઓ મંગાવવામાં આવી અને ત્યાંનો બેઠો ભાવ રૂ. ૨,૮૪૫ પ્રતિ ચો.મી. છે. અરજીઓ મંગાવ્યા બાદ તા. ૨૭-૭-૨૦૨૩ના રોજ એક પરિપત્ર એટલે કે માત્ર ત્રણ મહિનામાં જ પરિપત્ર કરીને જીઆઈડીસીએ કહ્યું કે નિગમની ૫૧૮મી નિયામક મંડળની સભામાં નક્કી થયું છે કે દહેજ અને સાયખાએ સેચ્યુરેટેડ ઝોનમાં ગણવો. એટલે કે બેઠા ભાવે જમીન ફાળવી શકાય નહીં અને અગાઉ જે કંઈ અરજીઓ તા. ૨૪-૪-૨૦૨૩ના રોજ માંગવામાં આવી હતી તે રદ્દ કરવામાં આવે છે અને હવે જે કોઈ જંત્રી/ઔદ્યોગિક દર છે તેમાં ૨૦% ઉમેરીને પછી જાહેર હરાજીથી જ પ્લોટ ફળવાશે તથા નિયમ મુજબ સંપૂર્ણ કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી લેનારને નામે પ્લોટ તબદીલ થશે નહીં.

ગોહિલે આક્ષેપ કર્યો કે આ બન્ને પરિપત્રો દરમિયાન ભાજપના નેતાઓ અને અધિકારીઓએ ઈચ્છુક ઉદ્યોગકારો સાથે આર્થિક વ્યવહાર કર્યો. ત્યારબાદ ષડયંત્રના ભાગરૂપે બધા સાથે મોટો વહીવટ કરીને જીઆઈડીસીએ જે વિસ્તારને સેચ્યુરેટેડ ઝોન જાહેર કર્યો હતો અને જ્યાં જમીન માત્ર જાહેર હરાજીથી જ આપી શકાય એમ હતી એ પરિપત્રને માત્ર છ જ મહિનામાં એટલે કે તા. ૮-૨-૨૦૨૪ના રોજ ઉલટાવી નાંખીને એવો પરિપત્ર જાહેર દહેજ અને સાયખામાં આવેલા કેમિકલ ઝોનને હવે અનસેચ્યુરેટેડ તરીકે જાહેર કરી દેવામાં આવે છે અને પરિપત્રનો સીધો અર્થ એ થઈ ગયો કે હવે પ્લોટોની હરાજી નહીં કરવાની અને ૧૦,૦૦૦ રૂપિયા પ્રતિ ચો.મી. ઉપજવાના હોય ત્યાં માત્ર રૂપિયા ૨,૮૪૫ પ્રતિ ચો.મી.નો ભાવ ગણીને બેઠા ભાવે અરજીઓ ગણીને આપી શકાય અને આ માટેના બધા અધિકારો પણ પરિપત્ર દ્વારા જીઆઈડીસીના ઉપાધ્યક્ષને આપી દેવામાં આવ્યા. આના કારણે જે ૫ લાખ ૨૫ હજાર ચો.મી. જમીન પહેલા ફેઝમાં આપવાની થાય જેના કારણે સરકારની તિજોરી ઉપર ૩ અબજ ૫૦ કરોડ રૂપિયાનું નુકસાન આવે અને બીજા ફેઝમાં ૨૦ લાખ ચો.મી. જમીન એટલે ૧૨ અબજ ૨૦ કરોડ રૂપિયાનું નુકસાન સરકારને થાય. આ એક વ્યવસ્થિત ભ્રષ્ટાચારનું ષડયંત્ર છે અને એટલા માટે અમારી માંગણી છે કે માત્ર છ જ મહિનામાં સેચ્યુરેટેડ ઝોનમાંથી અનસેચ્યુરેટેડ ઝોન કરવાનું મુખ્ય કાવતરું કરનાર સામે એફ.આઈ.આર. કરવામાં આવે.

આ પણ વાંચો : રાજકોટ અગ્નિકાંડ: શક્તિસિંહનો ગંભીર આરોપ ‘સરકાર વ્યવસ્થિત હપ્તા ઉઘરાવવાનું કામ કરે છે’

ગોહિલે જણાવ્યું કે સુપ્રિમ કોર્ટ દ્વારા સ્પેક્ટ્રમ અલોટમેન્ટ કેસમાં સ્પષ્ટ આદેશ અપાયો છે કે સરકારોએ કોઈપણ જમીન કે મિલકત હરાજી વગર કોઈને પણ આપવી નહીં છતાં જીઆઈડીસીએ અરજીઓ વગર હરાજી માટેની શા માટે મંગાવી ? અને બેઠા દરે જમીનો ફાળવી દેવાનું ગુજરાતમાં હજી પણ ષડયંત્ર કેમ ચાલે છે ? તેમણે આ કેસમાં સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના સિટિગ જજ મારફત તપાસની માગણી કરી હતી આ સાથે ઈડીને જીઆઈડીસીમાં મોકલવામાં આવે અને મની લોન્ડરિંગ અંગેનો કેસ દાખલ કરવામાં આવે. જીઆઈડીસીના નિયામક મંડળના સભ્યોની મિલકતની તપાસ ઈડી, ઈન્કમટેક્સ અને સીબીઆઈ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે અને આ તપાસને પારદર્શક રાખીને ગુજરાતના લોકોને હકીકતોથી વાકેફ કરવામાં આવે.

આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે ચીને ખૂબ જોખમી એવા કેમિકલ્સનું ઉત્પાદન બંધ કર્યું છે. દરેજ અને સાયખામાં દરિયો નજીક હોવાથી અહીં કેમિકલ્સનો કચરો નીકળી શકે તે માટે આ જગ્યા પસંદ કરવામાં આવી છે, પરંતુ આને કારણે દરિયાઈ જીવો મુશ્કેલીમાં મુકાશે અને માછીમારોની રોજી છીનવાશે આ સાથે જોખમી કેમિકલ્સને લીધે ગુજરાતીઓના સ્વાસ્થ્ય પર પણ અસર થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જીઆઈડીસી અવિકસિત વિસ્તારમાં સ્થાપીને નાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે પ્લોટ જંત્રી/ઔદ્યોગિક દરથી આપવામાં આવતા હતા. જ્યારે જીઆઈડીસી વિકસિત બને અને ૯૦% પ્લોટ ફળવાય ત્યારે એ જીઆઈડીસીને સેચ્યુરેટેડ (સંતૃપ્ત ઝોન) તરીકે જાહેર કરવાની એક સ્થાપિત નીતિ ગુજરાતમાં રહી છે અને આવા સેચ્યુરેટેડ ઝોનમાં બેઠા ભાવે નહીં પરંતુ જે ઔદ્યોગિક ભાવ એ જંત્રીનો ભાવ હોય તેમાં ૨૦% ઉમેરીને ત્યારબાદ જાહેર હરાજીથી જ પ્લોટ ફાળવી શકાય.

આ મામલે હજુ સુધી જીઆઈડીસી કે રાજ્ય સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ પાંચ વેકેશન ડેસ્ટિનેશન… એક વખત જશો તો… પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ