કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું સુરત સીટથી ફોર્મ રદ્દ, શક્તિસિંહે કર્યા મોટા ખુલાસા

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન આગામી 7 મેના રોજ થવાનું છે, જો કે તે પહેલા જ કોંગ્રેસ પાર્ટીને જબરદસ્ત ફટકો પડ્યો છે. કોંગ્રેસ પાર્ટીના સુરત લોકસભા બેઠકથી ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) અને તેમના ડમી ઉમેદવાર સુરેશ પડસાળાનું ફોર્મ રદ કરાયું છે, આ સાથે જ કોંગ્રેસે એક સીટ ગુમાવી દીધી છે.
કોંગ્રેસ હવે 23 બેઠકો પર જ ચૂંટણી લડશે. પ્રથમ વખત એવું બન્યું છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સુરતથી ચૂંટણી નહીં લડી શકે. હવે આ સમગ્રે મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે.
શક્તિસિંહ ગોહિલે આજે પ્રેસ કોન્ફરન્સમાં નિલેશ કુંભાણીનું ફોર્મ કેમ રદ થયું? તે મુદ્દે પત્રાકારોને માહિતી આપી હતી. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ‘નિલેશ કુંભાણીને પૈસાની ઓફર કરાઈ હતી, નિલેશ કુંભાણીએ તેના પર દબાણ હોવાની વાત મને કરી હતી. સામાજિક રીતે હેરાન કરાઈ રહ્યા હોવાની ફરિયાદ પણ તેમણે કરી હતી.
આ પણ વાંચો : Loksabha Election 2024: ગુજરાત કોંગ્રેસને એક તરફ રાહત બીજી તરફ ફટકો, જેની બેનનું ફોર્મ માન્ય તો કુંભાણીનું ફોર્મ રદ્દ
કાયદાની જોગવાઈ મુજબ જો ઉમેદવારી પત્રમાં ટેકેદારની સહી ના હોય તો, ઉમેદવારી રદ થાય. ટેકેદાર ફોર્મ ભરાઈ ગયા બાદ કહે કે મારી સહી નથી તો ફોર્મ રદ ના થાય.’ આ સાથે જ તેમણે ફોર્મમાં અને અરજીમાં થયેલી ટેકેદારની સહીને FSLમાં મોકલવાની માગણી કરી હતી.
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા શક્તિસિંહ ગોહિલે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીને યાદ કરતા જણાવ્યું હતું કે ત્યારે પણ સુરત પૂર્વમાં આવી જ સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે આપેલો નિર્ણય અને હાલમાં આપેલ નિર્ણય બન્ને અલગ અલગ છે. એક જ બાબતે બે અલગ અલગ ઉમેદવારો માટે અલગ અલગ નિર્ણય કેવી રીતે હોઈ શકે.
શક્તિસિંહે વધુમાં કહ્યું કે, ‘ભાજપ સુરતમાં હાર ભાળી જતા તેણે આ કાવતરૂ રચ્યું, તેના ઉમેદવારોને જાકારો મળી રહ્યો છે. આયાતી ઉમેદવારોના કારણે ભાજપના કાર્યકરો નારાજ છે. ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે.
ઉમેદવારોને બદલવાની ભાજપને ફરજ પડી છે. ભાજપે લોકશાહીને કલંકિત કરી છે. સુરતમાં ભાજપને હારવાનો ડર હતો, યુવા ઉમેદવાર નિલેશ કુંભાણી જીતવાના હતા.’
તેમણે ચૂંટણી પંચને પણ તટસ્થતા જાળવવા માટે અપીલ કરી હતી, તે ઉપરાંત તેમણે આ મામલે હાઈકોર્ટ અને સુપ્રીમમાં જવાનો પણ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.