ગાંધીનગર સીટથી કોંગ્રસના ઉમેદવાર સોનલ પટેલનો આરોપ, ‘અમારા કાર્યકરોને ડરાવવામાં આવે છે’
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈ પ્રચાર અભિયાન જોર પર છે, તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો તેમના મતદાન ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાજ્યની અન્ય સીટોની જેમ ગાંધીનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ પણ તેમના માટે જબરદસ્ત પ્રચાર કરી રહ્યા છે. ગાંધીનગર બેઠક પર સોનલ પટેલનો મુકાબલો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે છે.
આ દરમિયાન 62 વર્ષીય નેતા સોનલ પટેલે કહ્યું કે તેમને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ સામે આગામી ચૂંટણી લડવામાં બિલકુલ હિચકિચાટ નથી. સોનલ પટેલ કે જેઓ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના સેક્રેટરી અને પશ્ચિમ મહારાષ્ટ્ર માટે પાર્ટીના મુંબઈના સહ-પ્રભારી છે, તેમણે દાવો કર્યો હતો કે સત્તા વિરોધી લહેર યથાવત છે કારણ કે ભાજપ લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે.
આ પણ વાંચો: જૂની પેન્શન યોજના સહિતની પડતર માગણીઓ મુદ્દે સરકારી કર્મચારીઓનું ગાંધીનગરમાં હલ્લાબોલ
સોનલ પટેલે શાસક પક્ષ (ભાજપ) પર તેમના મતવિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોને ડરાવવાનો પણ આરોપ લગાવ્યો અને ચૂંટણી લડવા માટે એક સમાન તકની માંગ કરી હતી. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, મેં પાર્ટી પાસેથી ટિકિટ માંગી નથી કારણ કે હું મહારાષ્ટ્રમાં કોંગ્રેસની બાબતોમાં વ્યસ્ત હતી, જ્યાં હું મુંબઈ અને પશ્ચિમ મહારાષ્ટ્રની સહ-પ્રભારી છું.
મારી કોંગ્રેસ પાર્ટીએ મને ગાંધીનગરથી મેદાનમાં ઉતારી અને મેં તેનો સ્વીકાર કર્યો છે. અમારા કાર્યકરોને ડરાવવામાં આવી રહ્યા છે, ચૂંટણી પૂરી થયા પછી તેમને નિશાન બનાવવામાં આવશે તેવા ડરથી કોઈ અમને પાર્ટીના કાર્યકરોની બેઠક યોજવા માટે જગ્યા ભાડે આપવા તૈયાર નથી.
આ પણ વાંચો: PM મોદીએ મનમંદિર ફાઉન્ડેશનને પોતાનો પ્લોટ આપ્યો દાનમાં, ગાંધીનગરમાં બનશે ‘નાદ બ્રહ્મ’ આર્ટ સેન્ટર
પોલીસ પર પણ તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ભૂતકાળના કેટલાક કેસોમાં અમારા શહેર અને જિલ્લાના આગેવાનોને પોલીસ સ્ટેશનમાં બોલાવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ ચૂંટણી લડવા માટે વહીવટી તંત્રનો ઉપયોગ કરી રહી છે. આ દર્શાવે છે કે તેઓ ભયભીત છે અને મજબૂત સ્થિતિમાં નથી.
સોનલ પટેલે વધુમાં કહ્યું કે મને ખબર નથી કે અમિત શાહ આ વ્યૂહરચનાથી વાકેફ છે કે જે ભાજપના સ્થાનિક નેતાઓ અપનાવી રહ્યા છે. દરેકને ચૂંટણી લડવાની સમાન તક મળવી જોઈએ. આ ભાજપનો ગઢ છે, જ્યાંથી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડ્યા હતા.
આ પણ વાંચો: ટૂંક સમયમાં ગાંધીનગર અને અમદવાદ વચ્ચે મેટ્રો દોડશે, બીજા તબક્કાની ટ્રાયલ રન શરૂ
તેમણે કહ્યું,કે તેઓ (શાહ) ભલે દેશના ગૃહમંત્રી હોય, પરંતુ અમે તેમને તે દિવસોથી જોયા છે જ્યારે તેઓ ભાજપના સામાન્ય કાર્યકર હતા. નારણપુરા (અમિત શાહનો વિધાનસભા મતવિસ્તાર જ્યારે તેઓ ધારાસભ્ય હતા) ના ગ્રાસરુટ લેવલના કાર્યકરમાંથી તેઓ દેશના ગૃહમંત્રી બન્યા છે. મારા પિતા નારણપુરાના કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર હતા અને અમે તેમની પ્રગતિ જોઈ છે.
તેમણે કહ્યું કે, તેમની જેમ મેં પણ જમીની સ્તરથી લઈને ઉપર સુધી કામ કર્યું છે. અને જ્યારે લોકો પોતાનો મત આપે છે, ત્યારે તેઓ (તેમના સાંસદ)ને એમ વિચારીને પસંદ કરતા નથી કે તે એક ગૃહમંત્રી છે કે હું પક્ષનો સામાન્ય કાર્યકર છું, આ જ કારણ છે કે તેમને અમિત શાહ સામે ચૂંટણી લડવામાં જરાય સંકોચ નથી.