આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત કોંગ્રેસની કમાન અમિત ચાવડાના હાથમાં! તુષાર ચૌધરી વિરોધ પક્ષના નેતા બન્યા…

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસની કમાન અમિત ચાવડાને સોંપવામાં આવી છે. તેની સાથે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ડૉ. તુષાર ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી છે. તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની બે બેઠકો પરની પેટાચૂંટણીના પરિણામ બાદ હારની નૈતિક જવાબદારી સ્વીકારી કોંગ્રેસના પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું હતું.

અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની જવાબદારી
કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં તાત્કાલિક અસરથી મોટા ફેરફારોની જાહેરાત કરવામાં આવી હતી. કૉંગ્રેસ પાર્ટી દ્વારા આંકલાવના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચુકેલા અમિત ચાવડાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ સાથે, ડો. તુષાર ચૌધરીને ગુજરાતમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે તાત્કાલિક અસરથી નિયુક્ત કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી.

અગાઉ પણ રહી ચુક્યા છે પ્રદેશ પ્રમુખ
અમિત ચાવડા આણંદ જિલ્લામાંથી પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. પ્રથમ વખત વર્ષ ૨૦૦૪ માં બોરસદ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતાં, ત્યારબાદ તે જ બેઠક પરથી વર્ષ ૨૦૦૭માં ચૂંટણી જીત્યા હતાં. વર્ષ ૨૦૧૨થી આંકલાવ બેઠક પરથી તેઓ ચૂંટણી જીતતા આવ્યા છે અને વર્તમાનમાં તેઓ આંકલાવ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. વર્ષ ૨૦૨૨માં થયેલી ચૂંટણીમાં તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગુલાબસિંહ પઢીયારને હરાવ્યા હતા. તેઓ વર્ષ ૨૦૧૮થી ૨૦૨૧ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ રહી ચુક્યા છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button