ગુજરાતમાં કૉંગ્રેસનું ૨૪ અને આપનું બે બેઠકો પર ગઠબંધન
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આપ અને કૉંગ્રેસ વચ્ચે બેઠકો ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય સ્તર પર દિલ્હીમાં આપ અને કૉંગ્રેસની સંયુક્ત પ્રેસ કોન્ફન્સ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં ૨૪ બેઠકો પર કૉંગ્રેસ અને બે બેઠકો પર આપ લડશે જેને પગલે વિવાદ શરૂ થયો છે.
ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર બેઠક પર આપ ઉમેદવાર ઉતારશે. કૉંગ્રેસ ગુજરાતમાં ૨૪ લોકસભા બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં બે બેઠકો પર ચૂંટણી લડશે. આ સાથે જ ભરૂચ બેઠક પરથી કૉંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે તેવી જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ભરૂચ બેઠક પર કૉંગ્રેસમાંથી ફૈઝલ પટેલને ચૂંટણી લડવી છે. જેના કારણે વિવાદ શરૂ થયો છે. આ તરફ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખના જિલ્લા ભાવનગરમાં કૉંગ્રેસ લોકસભા નહીં લડે. ભાવનગર લોકસભા બેઠક આપ લડશે. કૉંગ્રેસ પ્રેદશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મુળ ભાવનગર જિલ્લાના છે. જ્યાંથી આપ પોતાના ઉમેદવારને ઉતારશે અને કૉંગ્રેસ ત્યાંથી ઉમેદવાર ઉતારશે નહીં.
આ અંગે આપ ના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતુ કે, અમે જામનગર, દાહોદ પર મજબૂત છીએ. તેમજ રાજ્યામાં જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં પણ અમે મજબુત છીએ પરંતુ પાર્ટી ગઠબંધનનું સન્માન કરીએ છીએ. ભરૂચ બેઠક ઉપર ચૈતર વસાવા ચૂંટણી લડશે. જ્યારે ભાવનગર બેઠક ઉપર ઉમેશ મકવાણા ચૂંટણી લડશે. ઇન્ડિયા ગઠબંધન માટે આપએ ઘણું યોગદાન આપ્યું છે. ભાજપ ૨૬ માંથી ૨૬ બેઠકો ન લઈ જાય તેના માટે કામ કરીશું. જેને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે.