ગુજરાતમાં પેટા ચૂંટણી માટે કોંગ્રેસ-‘આપ’નો ‘મરણિયો’ પ્રયાસ, સફળ રહ્યા તો હશે આ ‘પ્લાન’?

અમદાવાદ: ભાજપનાં ગઢ ગણાતા ગુજરાતમાં છેદ પાડવા માટે આખરે પેટા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) એક થઈને લડવાના મૂડમાં છે. દિલ્હીમાં તો ગઠબંધન કરી શક્યા નહોતા, પરંતુ હવે ગુજરાતમાં પેટા ચૂંટણી માટે એક થયા છે. પેટા ચૂંટણીમાં જીત્યા તો 2027ની વિધાનસભાની એ જ નીતિ અપનાવશે. લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ને ટક્કર આપી શક્યું નથી, પરંતુ હવે પેટા ચૂંટણી માટે બંને પક્ષ મરણિયો પ્રયાસ કરશે. જોકે, બંને પાર્ટી આગામી મહિને ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન અને વિસાવદરની પેટા ચૂંટણી પર જોરદાર ધ્યાન કેન્દ્રીત કરીને સત્તાધારી પાર્ટીની ઊંઘ હરામ કરવાનો પ્રયાસ કરશે.
શું છે આમ આદમી પાર્ટીની તૈયારી?
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપની કારમી હાર બાદ પાર્ટીનાં સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પાર્ટીની સફળતા માટેનાં પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાત માટે આમ આદમી પાર્ટી દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો કરવાની સાથે જ આમ આદમી પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી દીધી. તે પૂર્વે જ ગુજરાત માટે પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરી હતી.
આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત
આ દરમિયાન, 23 માર્ચે અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ગુજરાત આપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આજથી વિસાવદર બેઠક પરનાં આપનાં ઉમેદવાર ગોપાલ ઇટાલિયા હવે ચૂંટણીનાં મેદાનમાં બાજી મારવા માટે સક્રિય થઈ ગયા છે અને આજથી વિસાવદર તેમ જ ગ્રામ્ય પંથકમાં બેઠકનો દોર શરૂ કરી દીધો છે. આ અંગે આપનાં પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં રાજ્યના નવા પક્ષ પ્રભારી અને સહ-પ્રભારી રાજ્યની મુલાકાત લેશે, જ્યાં તેઓ કાર્યકરોને મળશે.
પ્રભારી અને સહ-પ્રભારી આવશે ગુજરાત
આપના પ્રદેશપ્રમુખ ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નબળા પ્રદર્શન બાદ રાજ્યમાં સંગઠનને વધુ મજબૂત બનાવાશે, જેના માટે 13 એપ્રિલના રોજ કાર્યકર્તા સંમેલન પણ યોજાશે, જે વિસાવદર પેટાચૂંટણી માટે સત્તાવાર પ્રચારની શરૂઆત કરશે. ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે સહ-પ્રભારી દુર્ગેશ પાઠક ગુજરાતની મુલાકાત લેશે અને તેઓ તમામ જિલ્લાઓની મુલાકાત લેશે અને કાર્યકરોને મળશે ત્યાર બાદ પ્રભારી ગોપાલ રાય ગુજરાતની મુલાકાત લેશે.
શું છે કોંગ્રેસ-આપનું ગઠબંધન?
વિસાવદર બેઠક પર આપનાં ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને આપનાં ગઠબંધન અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન અંગે જવાબ આપતા કહ્યું હતું કે, “કોંગ્રસ સાથેનાં ગઠબંધન અંગેનો પ્રશ્ન મહત્વપૂર્ણ છે, જે દિવસે વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આવતી હતી તે સમયે વિસાવદર બેઠક પર ખાલી હતી અને તે સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠક બાદ નક્કી થયેલું કે વાવ બેઠક પર કોંગ્રેસ લડશે અને આપ ઉમેદવાર નહિ ઉતારે, તે જ રીતે વિસાવદર બેઠક પર જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે આપ લડશે અને કોંગ્રેસ ઉમેદવાર નહિ ઉતારે.
આ પણ વાંચો : ગુજરાતના આરોગ્ય વિભાગમાં લાલિયાવાડી ચાલતી હોવાનો ભાજપના ધારાસભ્યનો આરોપ…
એપ્રિલમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન
આ સાથે જ કોંગ્રેસ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં મેદાનમાં બાજી મારવા માટે તૈયારી કરી રહી છે. તેના ભાગરૂપે આગામી મહિને ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજવા જઈ રહ્યું છે. 64 વર્ષ બાદ તા. 8 અને 9 એપ્રિલ 2025ના રોજ યોજાનાર કોંગ્રેસનું આ રાષ્ટ્રીય અધિવેશન ખૂબ મહત્વપૂર્ણ છે. આ પૂર્વે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની દશા સુધારવાનાં એંધાણ આપી ચૂક્યા છે. અધિવેશનની પૂર્વ તૈયારી રૂપે ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓના આગમન શરૂ થઈ ગયું છે. આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક મોટા નેતાઓ હાજરી આપશે. કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો તેમજ પાર્ટીના પ્રદેશ પ્રમુખો પણ આ બેઠકમાં હાજરી આપશે.