ગુજરાતના નિકાસકારો પર ટેરિફનો ‘ખતરો’: કાપડ, રસાયણ અને રત્ન ઉદ્યોગોમાં ચિંતા
અમેરિકા ભારતનું સૌથી મોટું કાપડ નિકાસ બજાર છે, જ્યાં વર્ષે ₹ 91,000 કરોડની નિકાસ થાય

અમદાવાદઃ વૈશ્વિક વેપાર તણાવ વધતા અમેરિકા દ્વારા ભારતીય નિકાસ પર 50 ટકા ટેરિફ લગાવવાની ધમકીએ ગુજરાતના ઉત્પાદન ક્ષેત્ર પર મોટો ખતરો ઊભો કર્યો છે. ભારતની ઔદ્યોગિક ઉત્પાદનમાં મોટો ફાળો આપનારું ગુજરાતનું ઉત્પાદન ક્ષેત્ર ખાસ કરીને કાપડ, રસાયણ, રત્નો, સિરામિક્સ અને એન્જિનિયરિંગ માલના ઉદ્યોગો ગંભીર અસરનો સામનો કરી શકે છે. ગુજરાતના નિકાસકારો માટે આ જોખમ માત્ર કિંમતની સ્પર્ધાત્મકતા ગુમાવવાનું જ નથી, પરંતુ અનિશ્ચિત સપ્લાય ચેઇન અને ગ્રાહકોની બદલાતી પસંદગીઓને પણ પહોંચી વળવાનું છે.
ભારતની કુલ કાપડ નિકાસનો આશરે 25 ટકા હિસ્સો
સુરતના સિન્થેટિક કાપડથી લઈને અમદાવાદની મિલો સુધીનો કાપડ ઉદ્યોગ આ ટેરિફના મોટા આંચકાનો સામનો કરી રહ્યો છે. અમેરિકા ભારતનું સૌથી મોટું કાપડ નિકાસ બજાર છે, જ્યાં દર વર્ષે અંદાજે ₹ 91,000 કરોડની નિકાસ થાય છે, જે ભારતની કુલ કાપડ નિકાસનો આશરે 25 ટકા હિસ્સો છે. આમાં ગુજરાતનો હિસ્સો લગભગ 35 ટકા છે.
આ પણ વાંચો: અમેરિકાના ‘ટેરિફ’નો ફટકો: હીરા ઉદ્યોગના 1 લાખ રત્ન કલાકારોની નોકરીઓ પર જોખમ…
કાપડ-ગાર્મેન્ટ ઉદ્યોગ માટે નવા બજારો શોધવા પડશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે 50 ટકા ટેરિફ નિકાસને સંપૂર્ણપણે ખતમ કરી નાખશે. યાર્નથી લઈને કપડાં સુધીની તમામ નિકાસ અટકી ગઈ છે. આની અસર કાચા માલના સપ્લાયર્સ અને જોબ વર્ક કરતા એકમો સુધી પહોંચશે. 50 ટકા ટેરિફ સાથે અમેરિકામાં નિકાસ શક્ય નથી. હવે આપણે આપણા કાપડ અને ગાર્મેન્ટ ઉદ્યોગ માટે નવા બજારો શોધવા પડશે.
ટેરિફથી આ ક્ષેત્રની સ્પર્ધાત્મકતાને સીધો ફટકો પડશે
ગુજરાતના રસાયણ ઉદ્યોગ વિશ્વભરમાં રંગો, પિગમેન્ટ્સ અને અન્ય ખાસ રસાયણો પૂરા પાડે છે. અમેરિકા ભારતનું સૌથી મોટું રસાયણ નિકાસ બજાર છે. ઉંચા ટેરિફથી આ ક્ષેત્રની સ્પર્ધાત્મકતાને સીધો ફટકો પડશે. સૂત્રોના કહેવા પ્રમાણે, મોટા ભાગના રસાયણો આટલો ઊંચો ટેરિફ સહન કરી શકતા નથી. 50 ટકા પર કોઈ સમાધાન શક્ય નથી.
આ પણ વાંચો: ટ્રમ્પના ટેરિફ સામે ગુજરાતમાંથી ઊઠ્યો વિરોધ: અમેરિકન વસ્તુઓની કરવામાં આવી હોળી
ખાસ રસાયણોના નિકાસકારો માટે આ રસ્તો વધુ મુશ્કેલ
ઓર્ડર પહેલેથી જ અટકી ગયા છે, અને કાપડની નિકાસમાં મંદીની અસર ઘરેલુ ઉત્પાદકો પર પણ પડશે. સામાન્ય રસાયણોના ઉત્પાદકો કદાચ સ્થાનિક માંગ તરફ વળી શકે, પરંતુ ખાસ રસાયણોના નિકાસકારો માટે આ રસ્તો વધુ મુશ્કેલ છે. આથી, તેમને યુએસ અને યુરોપ જેવા મુખ્ય બજારોમાં ગુમાવેલા વેપારને ફરીથી મેળવવામાં સમય લાગશે.