રાજ્યમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગોની સર્વગ્રાહી સમીક્ષા :ચિંતાનું કોઈ કારણ નથી:આરોગ્યમંત્રી
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં વરસાદની પ્રવર્તમાન સ્થિતિની પગલે પામીજન્ય અને વાહક જન્ય રોગોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.
ડેન્ગ્યુ, મેલેરીયા , ચિકનગુનીયા જેવા વાહક જન્ય અને અન્ય પાણીજન્ય રોગોની સમગ્રતયા પરિસ્થિતિનો વિગતવાર તાગ મેળવીને વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા.આ બેઠકમાં સમગ્ર સ્થિતિની સમીક્ષા કરતા હાલની સ્થિતિએ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગોના કેસોમાં ગત વર્ષની સાપેક્ષમાં ઘટાડો નોંધાયો હોવાનું જણાયું હતુ.
પાણીજન્ય રોગો જેવા કે ઝાડા ઉલટી, કોલેરા, ટાઈફોડ વગેરે રોગોમાં ગત વર્ષની સાપેક્ષમાં ઘટાડો નોંધાયેલ છે. વધુ વરસાદ નોંધાયો છતાં કોઈ પણ જિલ્લા કે કોર્પોરેશનમાં રોગચાળા જેવી પરિસ્થિતિ જોવા મળેલ નથી. હાલમાં ગુજરાત રાજ્યમાં સીઝનલ ફ્લુના જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2024 સુધીમાં કુલ 1614 કેસો નોંધાયેલ છે. છેલ્લા 15 દિવસથી આ કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.
રાજ્યકક્ષાએથી તમામ પાણીજન્ય અને વાહક જન્ય રોગોનું નિયમિત આરોગ્ય મંત્રી તેમજ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ અને કમિશનર દ્વારા મોનિટરિંગ અને સમીક્ષા કરવામાં આવે છે.
આરોગ્ય મંત્રીએ ચાલુ વર્ષે વરસાદની પેટર્નને ધ્યાનમાં લેતા હજુ વધુ 15 દિવસ સુધી ડેન્ગ્યુ માટેની તમામ પ્રવૃત્તિઓ જેવી કે સર્વેલન્સ , પોરાનાશક કામગીરી, પ્રચાર પ્રસારની કામગીરી વધુ સઘન બનાવવા જરૂરી સૂચન કર્યા હતા.આરોગ્યમંત્રીએ ડેન્ગ્યુ તથા ચિકનગુનિયા માટે જવાબદાર એડિસ ઈજિપ્તાઇ મચ્છર દિવસે કરડતો હોવાથી પાણીના પાત્રો ઢાંકીને રાખવા, હાલમાં ચાલતા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ દરમિયાન ઝાડી ઝાંખરા દૂર કરાવવા અને કોઈપણ જગ્યાએ પાણી સ્થગિત ન થાય તે મુજબની કામગીરીને વેગ આપવા રાજ્યના નાગરિકોને અપીલ કરી છે.
વધુમાં સવાર અને સાંજે બારી બારણા બંધ રાખવા તથા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના ચિન્હો જણાય તો ડોક્ટરની સલાહ મુજબ સારવાર કરાવવા જણાવ્યું છે.