Social Media પર અપમાનજનક શબ્દો ભાંડનાર સામે ભુજ અને રાજકોટમાં ફરિયાદ
ભુજ: દેશભરમાં મફતના ભાવે પ્રાપ્ત થયેલા ઇન્ટરનેટના વધુ પડતા અનુચિત ઉપયોગના લીધે કાયદો-વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નાર્થ ખડા થઇ રહ્યા છે ત્યારે કચ્છમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ જઈને મુસ્લિમ બકાલી સમાજની મા-દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરીને ઉશ્કેરણીજનક માહોલ ખડો કરનારા ચાર યુવકો વિરુધ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અખિલ કચ્છ બકાલી યુવા સંગઠનના પ્રમુખ સિદ્દીક હાજીહસન સમાએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની જાણકારીમાં એક વીડિયો આવ્યો હતો જેમાં આસિફ ઈસ્માઈલ ચાકી ઊર્ફે બાપાડો નામના ઇન્સ્ટાગ્રામ પર લાઈવ આવેલા યુવકે હાથમાં છરી લઈ, બકાલી સમાજની મહિલાઓને ભૂંડી ગાળો ભાંડતો જોવા મળ્યો હતો.‘બકાલીઓમાં એવો કોઈ મર્દ નથી જે મારી સામે આવે’ તેમ બોલીને બે વર્ગ વચ્ચે શત્રુતા થાય તેવી ઉશ્કેરણી કરીને સુલેહશાંતિનો ભંગ થાય તેવું કરતૂત આચર્યું હતું.આ સમયે તેની સાથે રહેલાં રીઝવાન અલીમામદ લુહાર, રેહાન અલીમામદ સમા અને એક અજાણ્યો યુવક આસિફની વાતોને સમર્થન આપતાં નજરે પડતાં હતાં. પોલીસે ચારે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજી તરફ, ગૌતમ બુધ્ધ અને દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર માટે ફેસબૂક પર અણછાજતી ટિપ્પણી કરી મહાનુભાવોના શાંતિ-ભાઈચારાના ઉપદેશો સામે વિરોધ કરનાર રાજકોટના યુવકને જાતિ અપમાનિત કરી મારી નાખવાની ધમકી આપનારા અંજારના ખંભરા ગામના ભરતસિંહ અજીતસિંહ વાઘેલા વિરુધ્ધ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના કાલાવાડ રોડ પર રહેતા ફરિયાદી માર્કંડ સોંદરવાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 19મી જાન્યુઆરીના રોજ એક ફેસબૂક ફ્રેન્ડે અયોધ્યાના રામમંદિરના પ્રતિષ્ઠિત કરાયેલી ભગવાન રામની પ્રતિમાનો ફોટો પોસ્ટ કરીને ભગવાન રામના અલગ અલગ નામો લખ્યાં હતાં. જેમાં એક નામ બુધ્ધ લખેલું હતું.
બુધ્ધ નામ સામે ભરતસિંહને વાંધો પડ્યો હોય તેમ તેણે તે અંગે ગાળ સાથે અનુચિત કોમેન્ટ કરતાં આ મુદ્દે ફરિયાદીએ વાંધો ઉઠાવતાં ભરતે કોમેન્ટ સેક્શનમાં જ જાતિ અપમાનિત કરતી કોમેન્ટ લખીને બાબાસાહેબ આંબેડકર વિશે પણ એલફેલ લખાણ લખ્યું હતું. ફરિયાદીએ તેને પર્સનલ મેસેજ કરતાં ભરતે પર્સનલ ચેટમાં તેને મારી નાખવાની ધમકી આપીને ગાળો લખી હતી. બનાવ અંગે ફરિયાદીએ સાયબર ક્રાઈમ પોર્ટલમાં કરેલી ફરિયાદના આધારે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Also Read –