માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ઝડપી ચૂકવાશે: રાઘવજી પટેલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં તાજેતરમાં થયેલા માવઠાના કારણે પાકને નુકસાન થયું છે તેનો સર્વે કૃષિ વિભાગ દ્વારા ચાલી રહ્યો છે તે પૂર્ણ થયા બાદ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે, તેમ રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું. રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હાલ એસડીઆરએફના કેટલાક નિયમોના કારણે ખેડૂતોને સહાય મેળવવામાં અવરોધ થઇ રહ્યો છે તે મુદ્દે સવાલનો જવાબ આપતા કૃષિ પ્રધાન પટેલે કહ્યું હતું કે સરકાર શક્ય તેટલું વહેલું વળતર ચૂકવશે. એસડીઆરએફના નોર્મ્સ બદલવા તે કેન્દ્ર સરકારનો વિષય છે પરંતુ સહાયના ધોરણો સુધારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જો સહાયના હાલના ધોરણો સુધારવામાં આવશે તો હાલ ખેડૂતોને જે નિયત અને મર્યાદિત સહાય મળે છે તેના બદલે યુનિટ દીઠ એટલે કે જેટલું નુકસાન થયું હોય તેટલું વળતર મળી શકશે અને વધુ ફાયદો થશે. ખેડૂતો દ્વારા લાંબા સમયથી હેકટરની મર્યાદામાં સહાય ચૂકવાય છે અને વરસાદ સહિતના જે માપદંડ નક્કી થયેલા છે તેનો વિરોધ કરીને જે ખેડૂતને જેટલું નુકસાન થયું છે તેટલું વળતર ચૂકવવા માગણી થઇ રહી છે. નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં એકાએક થયેલા માવઠાના કારણે રાજ્યમાં ત્રણથી ચાર લાખ હેક્ટરમાં કપાસ, દિવેલા, તુવેરના પાકને અસર થયાનો પ્રાથમિક અંદાજ છે. રવી પાકનું વાવેતર થયું હોવાથી તેને બહુ નુકસાન થયું નહીં હોવાની સરકારે જાહેરાત કરી હતી. આ માટે સર્વે કરી દેવાયો હોવાનું પણ એક સપ્તાહ પૂર્વે સત્તાવાર રીતે જણાવાયું હતું.