અંબાજીના ભાદરવી પૂનમના મહામેળાના મહાપ્રસાદ મોહનથાળ બનાવવાનો પ્રારંભ
રોજના ૩,૦૦,૦૦૦ લાખ પેકેટ બનાવવામાં આવશે
અમદાવાદ: રાજ્યના યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમના મેળામાં ઉમટી પડનારા ભક્તો માટે મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મેળા દરમિયાન ૪૦ લાખ જેટલાં પ્રસાદના બોક્ષ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમાન આદ્યશક્તિ મા અંબાના ધામ અંબાજી ખાતે આગામી તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. ભાદરવી મહાકુંભ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલના નેતૃત્વ અને અને માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર મેળો યોજવા સજ્જ બન્યું છે. ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વોટર પ્રુફ ડોમમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંબાજી ખાતે દર્શન કરવા આવતા માઈભક્તો માતાજીના દર્શન કર્યા બાદ પોતાના ઘરે મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે. મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની આગવી ઓળખ છે.
પ્રસાદ વ્યવસ્થા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા પુરવઠા અધિકારી એચ. કે. ગઢવીએ જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા માઇભક્તોને પ્રસાદ મેળવવામાં કોઇપણ પ્રકારની અગવડ ન પડે તથા માઇભક્તોને પુરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે અંબાજી ખાતે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી પ્રસાદ બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. મેળામાં આવતા યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં રાખી સમગ્ર મેળા દરમિયાન ૪૦ લાખ જેટલાં પ્રસાદના બોક્ષ બનાવવાનું આયોજન છે.