નલિયામાં કુલ્લુ-મનાલી જેવો અહેસાસ: ૩.૮ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર!

અમદાવાદ: ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં પોષ મહિનાની હાડ થિજવતી ઠંડીનો રાઉન્ડ પુરજોશમાં ચાલી રહ્યો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં તાપમાનનો પારો સિંગલ ડીજીટમાં જોવા મળી રહ્યો છે. નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ રહી છે, છેલ્લા ત્રણ દિવસોમાં જ સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં ૩.૮ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ ઠંડીની અસર જોવા મળી રહી છે.
નલિયામાં ૩.૮ ડિગ્રી સેલ્સિયસ
સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકથી શીતલહેરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેમાં કચ્છનું નલિયા ૩.૮ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે અને આ સાથે જ સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ઠંડા પવનોના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો અમરેલીમાં ૭.૬ ડિગ્રી અને રાજકોટમાં ૮.૯ ડિગ્રી તાપમાન નોંધાતા સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગાંધીનગરમાં પારો ૯.૫ ડિગ્રી અને ભુજમાં ૯ ડિગ્રી સુધી ગગડ્યો છે, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૧.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. વડોદરા, ભાવનગર અને ડીસા જેવા શહેરોમાં પણ તાપમાન ૧૨ ડિગ્રીની આસપાસ રહેતા વહેલી સવારે અને મોડી રાત્રે હાડ થીજવતી ઠંડી પડી રહી છે.
ઉત્તર ભારતમાં ધુમ્મસ અને ઠંડીનું સંકટ
ભારત હવામાન વિભાગ (IMD) એ રાજસ્થાન માટે ગંભીર ચેતવણી જારી કરી છે. પૂર્વ અને પશ્ચિમ રાજસ્થાનમાં તીવ્ર શીતલહેર અને અત્યંત ગાઢ ધુમ્મસની શક્યતાને પગલે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના સાત રાજ્યોમાં પણ ગાઢ ધુમ્મસના કારણે ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશમાં ૧૩ જાન્યુઆરી સુધી અને બિહારમાં ૧૨ જાન્યુઆરી સુધી સવારના સમયે ભારે ધુમ્મસ છવાયેલું રહેશે, જેની અસર જાન્યુઆરીના ત્રીજા સપ્તાહ સુધી ચાલુ રહેવાની ધારણા છે.
મહારાષ્ટ્રમાં સવારે ઠંડી, દિવસે વાદળછાયું
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ શિયાળાની અનિયમિત પેટર્ન જોવા મળી રહી છે. ત્યાં ઠંડી સવાર બાદ બપોરે સૂકું વાતાવરણ અને ક્યારેક વાદળછાયું આકાશ જોવા મળે છે. મહારાષ્ટ્રના ધુળે અને પરભણી જેવા જિલ્લાઓમાં તાપમાન ૬ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હવામાનમાં આવતા આ સતત બદલાવને કારણે મોસમી બીમારીઓ જેવી કે તાવ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફના કિસ્સાઓ વધી રહ્યા છે, જેના પગલે આરોગ્ય વિભાગે નાગરિકોને સાવધ રહેવા અને ગરમ કપડાં પહેરવા સલાહ આપી છે.



