ગુજરાતમાં ફરી વળ્યું ઠંડીનું મોજું, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન…

અમદાવાદઃ રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો પારો ગગડી રહ્યો છે. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં નવેમ્બર મહિનામાંથી કાતિલ ઠંડી પડવાનું શરુ થઈ ગયું છે. જેની અસર પડોશી રાજ્ય ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિસ્તારોમાં શીત લહેર પ્રસરી છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે મંગળવારે રાજ્યમાં લઘુતમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં પણ ઠંડીનો પારો ગગડીને 13.5 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન
રાજકોટમાં 12.1 કેશોદમાં ડિગ્રી, કેશોદમાં 13.5 ડિગ્રી, મહુવામાં 14.5 ડિગ્રી, સુરેન્દ્રનમગરમાં 15 ડિગ્રી, દીવમાં 16.2 ડિગ્રી, પોરબંદરમાં 13.1 ડિગ્રી, અમદાવાદમાં 13.5 ડિગ્રી, ડિસામાં 134. ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, વિદ્યાનગરમાં 14.6 ડિગ્રી, વડોદરામાં 12.6 ડિગ્રી, નલિયામાં 10.5 ડિગ્રી, સુરતમાં 18.6 ડિગ્રી, કંડલા પોર્ટમાં 15.5 ડિગ્રી, અમરેલીમાં 11.6 ડિગ્રી, ભાવનગરમાં 15.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનની દિશાને કારણે સવારે અને સાંજે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ સાથે સૌરાષ્ટ્ર કચ્છ સહિત આખા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં હવામાન શુષ્ક રહ્યું હતું. જ્યારે આગામી સાત દિવસ પણ હવામાન શુષ્ક રહેવાની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં આગામી સાત દિવસ ક્યાંય ભારે કે સામાન્ય વરસાદ પડવાની શક્યતા નથી. આગામી સાત દિવસ લઘુત્તમ કે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની કોઈ શક્યતા નથી.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, 26 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત બનવાની શરૂઆત થઈ શકે છે. આ વાવાઝોડાની અસર ગુજરાત સુધી આવવાની શક્યતા રહેશે. જેના કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. 19 નવેમ્બરથી અરબ સાગરમાં હવાની દબાણવાળી નબળી સિસ્ટમ ઊભી થવાની શક્યતા છે, જેના કારણે દિશા–પ્રવાહમાં નાનામોટા ફેરફારો થશે.
અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં 18 ડિસેમ્બર સુધી એકાદ બે રાઉન્ડ વરસાદ પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપ સક્રિય બનતા ભેજ અને પવનની દિશામાં ફેરફાર થઈ રહ્યો છે, જેના કારણે હવામાન અચાનક ભેજવાળું થઈ શકે છે. ખેતીના સંદર્ભમાં આ સમયગાળો મહત્વનો બની શકે છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર વધશે. પવનની દિશા બદલાતી અને ઉત્તર તરફથી પવનો આવતાં રાત્રિનાં તાપમાનમાં ભારે ઘટાડો થશે. તે બાદ 27 ડિસેમ્બર આસપાસ અને ફરી 11 જાન્યુઆરીએ ‘હાડ-થીજાવતી’ ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ બંને તબક્કા દરમિયાન રાજ્યના મોટા ભાગના જિલ્લામાં રાત્રિ તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું પડી શકે છે.
આ પણ વાંચો…દાહોદ નવ ડિગ્રી સાથે ઠુંઠવાયું, ગુજરાતમાં શિયાળાની સિઝન ફુલીફાલી



