ગુજરાતમાં માવઠાં બાદ ઠંડીનો ચમકારો: નલિયા ૧૨ ડિગ્રી સાથે સૌથી ઠંડુ મથક
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ૧૩ શહેરોમાં તાપમાન ૨૦ ડિગ્રીથી નીચું પહોંચ્યું છે. ૧૨ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. શિયાળાની શરૂઆત પણ કડકડતી થઈ છે. શહેરોના મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી ઘટાડો થતા દિવસે પણ ઠંડક અનુભવવા લાગી રહી છે. જેમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન ૨૫ ડિગ્રીની આસપાસ પર પહોંચ્યું છે. તો અમદાવાદ અને ડીસાનું લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી પર પહોંચ્યું હતું.
દરમિયાન અમારા ભુજ ખાતેના ખબરપત્રીના અહેવાલ અનુસાર ઉત્તર ભારત અને જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં થયેલી બરફવર્ષા અને રાજ્યમાં વરસેલા કમોસમી માવઠાને પગલે પાકિસ્તાનની સરહદને અડકીને આવેલા સરહદી કચ્છ જિલ્લામાં લઘુતમ ઉષ્ણતામાનનો આંક નીચે સરકતાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થતાં જનજીવનને અસર પહોંચી રહી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેની સીમાને અડકીને આવેલાં અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ત્રણ-ચાર દિવસ અગાઉ નોંધાયેલા ૧૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન સામે આજે ૧૧ ડિગ્રી જેટલું તાપમાન, જયારે ૨૪ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન નોંધાતાં હવે અહીં સિંગલ ડિજિટ તાપમાન થવાનું જાણે કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે.
નલિયા સિવાયના અન્ય મથકોમાં પણ આજે ઠંડીમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે જેમાં જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આજે લઘુત્તમ તાપમાનનો પારો ૧૬ ડિગ્રી સેલ્સિયસ જેટલો નોંધાતા મોડી સાંજ બાદ મુખ્ય માર્ગો સુમસામ બની જાય છે. મહાબંદર કંડલામાં લઘુત્તમ તાપમાનનો આંક ૧૯ ડિગ્રી સે.પર પહોંચી જતાં સમગ્ર કંડલા-ગાંધીધામ સંકુલે ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો. વહેલી સવારે અને સાંજ ઢળ્યા પછી ધાબળિયા માહોલ વચ્ચે હવામાં ભેજ ઘટી જતાં ગ્રામીણ કચ્છમાં શહેરો કરતાં થોડી વધારે ઠંડી અનુભવાઈ હતી અને ‘ગામઠી’ લોકો ઠેર ઠેર તાપણાં સભાઓ યોજીને ઠંડીથી બચવાના પ્રયાસો કરતા નજરે પડ્યા હતા.