કૉઈન્સ ઓફ કચ્છઃ વોટર કલરથી કંડારાયેલાં કચ્છી દોકડાના ચિત્રએ આકર્ષણ જમાવ્યું

ભુજ : દિલ્હીને અડકીને આવેલા ઉત્તર પ્રદેશના નોઈડા ખાતે યોજાયેલા ‘વોટર કલર ફેસ્ટિવલ-૨૦૨૪’ના પ્રદર્શનમાં કચ્છ ભુજના જાણીતા ચિત્રકાર લાલજી જોશીના ‘કોઇન્સ ઓફ કચ્છ’ થીમ હેઠળ રજૂ કરાયેલા ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઇન્ટરનેશનલ વોટર કલર સોસાયટી ઓફ ઇન્ડિયાના ઉપક્રમે આ વોટર કલર ફેસ્ટિવલ નોઈડા ખાતે ગત ૬ઠી ડિસેમ્બરથી ૮ ડિસેમ્બર દરમ્યાન યોજાયો હતો જેમાં ૬૦ જેટલા દેશોમાંથી ૧૪૮૬ જેટલા સ્પર્ધકોએ પોતાના વોટર કલરના માધ્યમથી બનાવેલા ચિત્રો મોકલ્યાં હતાં જેમાંથી ૫૫૦ જેટલા ચિત્રોને પ્રદર્શની માટે પસંદ કરાયાં હતા.

આ પણ વાંચો :ભુજના લોરીયા પાસે કેમિકલ ભરેલું પલટ્યું; લોકોની આંખો-ત્વચામાં બળતરાથી ભય…
આ ચિત્રોમાં ભુજના લાલજીભાઈ જોશી દ્વારા કંડારાયેલા ‘કોઇન્સ ઓફ કચ્છ’ના ચિત્રો પણ પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, રાજાશાહીના જમાનામાં ભુજમાં ટંકશાળ પણ હતી જેમાં કચ્છના રાજ પરિવાર દ્વારા કચ્છી ચલણના સિક્કાઓ બહાર પાડવામાં આવતા હતા. કચ્છ રાજ દરમ્યાન જે ચલણી સિક્કા છપાતા હતા તે પૈકીના એક સિક્કાનું વોટર કલરથી ચિત્રાંકન કરવામાં આવ્યું છે અને આ દોઢ દોક્ડાના ચિત્રએ પ્રદર્શનીમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.