ગુજરાતમાં એક દાયકામાં નાળિયેરીના વાવેતર વિસ્તારમાં 4900 હેક્ટરનો વધારો…

ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં 2 સપ્ટેમ્બરને નાળિયેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નાળિયેરમાં રહેલા ગુણોથી લોકોને જાગૃત કરવા તેમજ રોજગાર સહિત વિવિધ ઉત્પાદનોમાં નાળિયેરના મહત્વને સમજાવવા માટે આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન અને તેની નિકાસ કરતા પ્રથમ હરોળના દેશોમાં ભારત મુખ્ય સ્થાન ધરાવે છે.
આ પણ વાંચો : સાતમાં “રાષ્ટ્રીય પોષણ માહ”ની ઉજવણીનો ગાંધીનગર, ગુજરાત ખાતેથી દેશવ્યાપી પ્રારંભ
કૃષિ મંત્રી રાઘવજી પટેલે નાળિયેર દિવસના સંદર્ભે વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં જ નાળિયેરીના વાવેતર વિસ્તારમાં 4900 હેક્ટરનો વધારો થયો છે. વર્ષ 2013-14માં નાળિયેરનો વાવેતર વિસ્તાર 21,633 હેક્ટર હતો, જે વર્ષ 2023-24માં વધીને 26,561 હેક્ટર સુધી પહોંચ્યો છે. અત્યારે ગુજરાતમાં લીલા નાળિયેરનું (ત્રોફાનું) વાર્ષિક ઉત્પાદન 23.60 કરોડ યુનિટથી વધુ છે.
ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લામાં હાલ 45.61 લાખ હેક્ટર જેટલો વિસ્તાર ખેતી લાયક છે, જેને ધ્યાને રાખીને દરિયાકાંઠાના જિલ્લામાં નાળીયેરીનો વાવેતર વિસ્તાર ૨૬ હજાર હેક્ટરથી વધીને 70 થી 80 હજાર હેક્ટર સુધી પહોંચવાની શક્યતા ધરાવે છે. હાલ ગુજરાતમાં નાળિયેરનું ઉત્પાદન મુખ્યત્વે ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, કચ્છ, નવસારી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થાય છે.
ગુજરાતમાં નાળીયેરીની ખેતી, ઉત્પાદન અને નાળીયેરી સંબંધિત ઉદ્યોગોના સંકલિત વિકાસને પ્રોત્સાહન આપવા ગત વર્ષે રાજ્ય સરકારે “ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ” અમલમાં મૂક્યો હતો. ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ માટે ચાલુ વર્ષે રાજ્ય સરકારે રૂ. 438 લાખ જેટલી રકમની જોગવાઈ કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને નાળિયેરીના વાવેતર વિસ્તાર માટે જે ખર્ચ થયો હોય તેના 75 ટકા મહત્તમ રૂ. 37,500 પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.
સાથે જ, નાળીયેરીમાં સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થા૫ન માટે ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂ. 5000 પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. આ તમામ સહાય ખેડૂત દીઠ અથવા ખાતા દીઠ 4 હેક્ટરની મર્યાદામાં સીધી ખેડૂતોના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય પ્લાન યોજના અંતર્ગત નાળિયેરીના પ્લાન્ટીંગ મટીરીયલ્સ માટે પણ ખર્ચના મહત્તમ ૯૦ ટકા મુજબ રૂ. ૧૩,૦૦૦ પ્રતિ હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે. રાજ્ય સરકારના નાળિયેરી વિકાસ માટેના સરાહનીય પગલાથી ગુજરાતના નાળિયેરી ઉત્પાદનમાં વધારો થશે.
આ પણ વાંચો : જમીન સ્વાસ્થ્ય અને પર્યાવરણના રક્ષણ માટે નેનો યુરીયા શ્રેષ્ઠ વિકલ્પ: કૃષિ મંત્રી રાઘવજી પટેલ
ઉનાળામાં નાળિયેરની માગ સૌથી વધુ:
ગુજરાતમાં ઉત્પાદન થતા કુલ નાળિયેરમાંથી 20 ટકા નાળિયેરનું ત્રોફા તરીકે, જ્યારે 42 ટકા નાળિયેરનું પાકા નાળિયેર તરીકે ઉત્પાદન થાય છે. આ ઉપરાંત 5 ટકા નાળિયેરનું ખેડૂતો પોતાના માટે અને બીજ તરીકે ઉત્પાદન કરે છે. ગુજરાતમાં ઉત્પાદિત થતા આશરે 33 ટકા જેટલા નાળિયેરની દિલ્હી, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. બારે માસ મળતા નાળિયેરની માંગ ઉનાળામાં એટલે કે, માર્ચથી જૂન મહિના દરમિયાન સૌથી વધુ હોય છે.