૧.૪૭ કરોડના કોકેઈનની ખેપ મારતાં ઝડપાયેલાં બે આરોપીઓ પંજાબમાં કચ્છ પોલીસને થાપ આપી ફરાર…
ભુજઃ ૧.૪૭ કરોડની કિંમતના ૧૪૭ ગ્રામ કોકેઈન સાથે લાકડીયા નજીક હાઈવે પર કારમાંથી ઝડપાયેલાં પંજાબના બે આરોપીઓ સામખિયાળી પોલીસને ચકમો આપીને ભટિંડાથી પરત ફરતી વેળાએ પંજાબના મલેર કોટલા જિલ્લાના અહેમદગઢ નજીક રાતના અંધારામાં નાસી છૂટતાં પૂર્વ કચ્છ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી.
સામખિયાળી પોલીસે બનાવ અંગે જણાવ્યું હતું કે, આરોપી સંદિપસિંઘ અને હનિસિંઘને તપાસ અર્થે પોલીસ વાનમાં એક પી.એસ.આઈ અને અન્ય પાંચ પોલીસ કર્મીઓ જોડે તપાસ અર્થે ભટીંડા લઈ જવાયાં હતાં. રવિવારે રાત્રે હાઈવે પર વાનના ટાયરમાં પંક્ચર પડ્યું હતું. સૌ પોલીસ કર્મચારીઓ નીચે ઉતર્યાં હતા ત્યારે આરોપીઓ તેમને ધક્કો મારીને નાસી છૂટી નિર્જન ઝાડીઓમાં અંધારામાં ઓઝલ થઈ ગયાં હતાં.
બંનેને શોધવા ભારે પ્રયાસો કર્યાં બાદ રાત્રે જ અહેમદગઢ પોલીસ મથકે વિરુધ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. ઘટના અંગે પૂર્વ કચ્છ પોલીસે તપાસ હાથ ધરી છે. બેદરકાર પોલીસ કર્મચારીઓ પર કડક કાર્યવાહીની તલવાર તોળાઈ રહી છે.
આ પણ વાંચો : રણોત્સવ ૨૦૨૪ માં લાઈટ એન્ડ સાઉન્ડ શો માણ્યો પર્યટકોએઃ સમૃતિવન ઝળક્યું…
ઉલ્લેખનીય છે કે ગત ૨૮ નવેમ્બરની રાત્રે એસઓજીએ હાઈવે પર ઈકો સ્પોર્ટસ કારની તલાશી લઈ તેના એર ફિલ્ટર નીચે છૂપાવેલું ૧૪૭ ગ્રામ કોકેઈન જપ્ત કર્યું હતું. પોલીસે કારચાલક હનિસિંઘ, સંદિપસિંઘ અને તેની પત્ની અર્શદીપકૌર તથા બહેન સુમન ઊર્ફે જશપાલકૌરની ધરપકડ કરેલી. લાકડીયા નજીક હાઈવે હોટેલ ચલાવતા સન્નીસિંઘે પત્ની સુમનને સામખિયાળી મૂકી આવવાનું જણાવી ડ્રગ્સ ભરેલી કાર આપી હોવાનું ખૂલ્યું હતું.
કચ્છ પોલીસના જાપ્તામાંથી ડ્રગ્સકાંડના આરોપી નાસી છૂટવાનો આ બીજો બનાવ છે. આ અગાઉ ફેબ્રુઆરી માસમાં પંજાબનો આરોપી જોબનજીતસિંઘ બલવિન્દરસિંઘ સંધુ અમૃતસર નજીક કુદરતી હાજતે જવાના બહાને હાઈવે ઢાબા પર પશ્ચિમ કચ્છ પોલીસ દળ હેડ ક્વાર્ટરના જાપ્તાના કર્મચારીઓને થાપ આપી ફરાર થઈ ગયો હતો. મુંદરામાં પકડાયેલાં ૨૧ હજાર કરોડના ડ્રગ્ઝ કેસમાં ડીઆરઆઈએ જોબનજીતસિંઘની ધરપકડ કરીને તેને પાલારા જેલમાં મોકલી આપ્યો હતો.