વરસાદ બંધ થવાની રાહ જોશો નહીંઃ રસ્તાઓનું મરમ્મત કામ યુદ્ધના ધોરણે હાથ ધરવાનો સીએમનો આદેશ

ગાંધીનગર: રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા હાઈવે, ગ્રામીણ અને શહેરી માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ કરીને તેમને પૂર્વવત કરવાનો આદેશ આપ્યો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારો તેમ જ નગરો-મહાનગરો સહિત નેશનલ હાઈ-વે, રાજ્ય ધોરીમાર્ગ, પંચાયત હસ્તકના માર્ગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી.
વરસાદ બંધ થવાની રાહ જોશો નહીં
બેઠકમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રસ્તાઓ અને પુલોના સમારકામ માટે વરસાદ બંધ થવાની રાહ જોવી ન જોઈએ અને વરસાદ વિનાનો અથવા ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જવો જોઈએ. રજાના દિવસે પણ સમારકામ ચાલુ રાખવા તેમણે સૂચના આપી હતી. મુખ્ય પ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે જે કામોમાં ડિફેક્ટ લાયાબિલિટી પિરિયડ દરમિયાન નુકસાન થયું હોય કે મરમ્મતની જરૂર પડી હોય તેવા કિસ્સામાં ઇજારદારની જવાબદારી નક્કી કરીને પગલાં લેવાવા જોઈએ. તેમણે કામો ગુણવત્તાયુક્ત થાય તે સુનિશ્ચિત કરવા પણ તાકીદ કરી હતી.
આ પણ વાંચો: વરસાદી કહેર: CM ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી, તંત્રને એલર્ટ રહેવાની તાકીદ
લાંબાગાળાના નિવારણ માટેના ઉપાયો
આ બેઠકમાં રાજ્યની મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરો વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. મુખ્ય પ્રધાને મહાનગરોમાં રસ્તાઓ, અંડરબ્રિજ અને વોટર લોગિંગની સમસ્યાવાળા વિસ્તારોમાં ત્વરિત સમારકામ હાથ ધરી પરિસ્થિતિ પૂર્વવત કરવા સૂચનો કર્યા હતા. એટલું જ નહીં, તેમણે શહેરોમાં આ સમસ્યાના લાંબાગાળાના નિવારણ માટેના ઉપાયોનું આયોજન કરવા પણ ભાર મૂક્યો.
ટીમવર્કથી કામગીરી કરવા સૂચન
મુખ્ય પ્રધાને NHAI, માર્ગ અને મકાન વિભાગ, પંચાયત, નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો વચ્ચે સંકલન સાધીને ટીમવર્કથી કામગીરી કરવા સૂચનો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાવા, પુલો-નાળા-કોઝવેને નુકસાન કે ડામર રોડને નુકસાન જેવી બાબતો તાત્કાલિક ધ્યાન પર લેવાવી જોઈએ. આ હેતુસર, ગાંધીનગરમાં નિર્માણ ભવન ખાતે કાર્યરત 24×7 કંટ્રોલ રૂમને માહિતી મળતા જ સંબંધિત અધિકારીઓને સ્થળ પર જઈને સમારકામની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમણે દિશાનિર્દેશો આપ્યા હતા.
આ પણ વાંચો: ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’: ભૂપેન્દ્ર પટેલે ‘સિંદૂર વન’ના નિર્માણનો કરાવ્યો શુભારંભ
58 કિલોમીટરમાં સમારકામ પૂર્ણ થયું
બેઠક દરમિયાન રાજ્યના માર્ગો, પુલો અને હાઈવેની વર્તમાન સ્થિતિ અંગે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. NHAIના અધિકારીઓએ મુખ્ય પ્રધાનને માહિતી આપી કે આ વર્ષે ચોમાસા દરમિયાન નેશનલ હાઈ-વેને જે 83 કિલોમીટરમાં નુકસાન થયું છે, તેમાંથી 58 કિલોમીટરમાં સમારકામ પૂર્ણ થઈ ગયું છે, અને બાકીના 25 કિલોમીટરનું કામ પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.