ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Budgetને આવકાર્યું, કહ્યું વિકસિત ગુજરાતનું બજેટ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Budgetને આવકાર્યું, કહ્યું વિકસિત ગુજરાતનું બજેટ

ગાંધીનગર : ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઇએ વિધાનસભામાં રજૂ કરેલા વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું હતું. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat Budget 2025) વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ ગણાવ્યું છે. રાજ્યના અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટા કદના એટલે કે રૂપિયા 3.70 લાખ કરોડના આ બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં ગયા વર્ષની તુલનાએ 21.8 ટકાનો વધારો એ વિકાસ માટેની પ્રતિબદ્ધતા છે.
કુલ છ ગ્રોથ હબ બનાવવાની બજેટમાં જોગવાઇ
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નાગરિકોના જીવનને સુગમ્ય, સમૃદ્ધ અને સંતોષપ્રદ બનાવવાનો સફળ પ્રયાસ આ બજેટમાં થયો છે. ગુજરાત વિકાસની રાહ પર ક્વોન્ટમ જમ્પ સાથે વધશે.તેમણે ઇન્ફાસ્ટ્રક્ચર અને કનેક્ટિવીટી માટે આ બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓને આવકારતા જણાવ્યું હતું કે, વિકસિત ગુજરાત માટે છ રિજીયોનલ ઇકોનોમિક પ્લાન તૈયાર કરવામાં આવશે. સુરત રિજન, અમદાવાદ રિજન, વડોદરા રિજન, રાજકોટ રિજન, સૌરાષ્ટ્ર કોસ્ટલ રિજન અને કચ્છ રિજન એમ કુલ છ ગ્રોથ હબ બનાવવાની બજેટમાં જોગવાઇ છે.
12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે
તેમણે કહ્યું કે, વિકસિત ગુજરાતની દિશાને નવી ગતિ આપવા બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે. નમોશક્તિ એક્સપ્રેસ-વેના નિર્માણથી ઉત્તર ગુજરાતના ડીસાને સૌરાષ્ટ્રના સમુદ્રી વિસ્તાર પીપાવાવ સાથે જોડવાથી કોસ્ટલ બેલ્ટના ઔદ્યોગિક, સામાજિક, આર્થિક વિકાસને વેગ મળશે.
દાહોદ ખાતે નવા એરપોર્ટના નિર્માણની જાહેરાત
આ ઉપરાંત રાજ્યમાં પ્રવાસીઓને વધુ સુવિધા પૂરી પાડવા માટે દાહોદ ખાતે નવા એરપોર્ટના નિર્માણની જાહેરાત તેમજ વડોદરા, સુરત, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના અપગ્રેડેશન દ્વારા એરકનેક્ટિવીટી સુદ્રઢ કરવાની બાબતને પણ મુખ્યમંત્રીએ વધાવી હતી. રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપવા અંબાજી કોરિડોર અને ધરોઈ ટુરિઝમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો વિકાસ કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટને વધુ ગતિ આપવા માટે 2025ના સમગ્ર વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવશે. આ માટે સમગ્રતયા શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો કરીને વધુ 31 હજાર કરોડ રૂપિયા આ બજેટમાં ફાળવ્યા છે.રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અપાતી સહાયમાં 50 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે દરેક લાભાર્થીને રૂપિયા 1 લાખ 70 હજારની સહાય આપવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે.
બ્લૂ ઇકોનોમીને વેગ આપવા ગુજરાત પ્રતિબદ્ધ
તેમણે આદિજાતિના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું હતું કે અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ બેલ્ટમાં વસવાટ કરતાં વનબંધુઓના વિકાસ માટે 30 હજાર કરોડ રૂપિયા બજેટમાં ફાળવ્યા છે. બજેટમાં ફાળવાયેલી આ રકમથી આદિજાતિ વિસ્તારોમાં ઘર આંગણે શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધા વધારવાની નેમ બજેટમાં વ્યક્ત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યના મત્સ્યોદ્યોગના સર્વાંગી વિકાસ માટે ફિશરીઝ એટલે કે બ્લૂ ઇકોનોમીને વેગ આપવા ગુજરાત પ્રતિબદ્ધ છે.
કૃષિ ક્ષેત્ર માટે રૂપિયા 1612 કરોડની ફાળવણી
તેમણે વધુમાં ઉમેર્યું કે, દેશની કૃષિ ક્રાંતિનો આધાર કૃષિ ક્ષેત્ર આધુનિક બને અને અન્નદાતા વધુ સક્ષમ બને તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. કૃષિ ક્ષેત્ર માટે રૂપિયા 1612 કરોડ બજેટમાં ફાળવીને રાજ્યના ખેડૂતો અને ખેતીનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, કૃષિ ઉત્પાદનના વેલ્યૂ એડિશન દ્વારા ખેડૂતની આવક વધારવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ પ્રમોશન માટે આ બજેટમાં પ્રાવધાન છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. આ બજેટમાં યુવાઓ, નારીશક્તિ અને બાળકોના પોષણ માટે પણ ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.
સામાજિક સુરક્ષાની પણ દરકાર સરકારે કરી
તેમણે કહ્યું હતું કે, બાળકોના પોષણનો પણ આ બજેટમાં ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ માટે ગત વર્ષના બજેટ કરતા 25 ટકાનો વધારો કરીને 8460 કરોડનું બજેટ ફાળવ્યું છે. રાજ્યના આર્થિક વિકાસની સાથે સાથે સામાજિક સુરક્ષાની પણ દરકાર સરકારે કરી છે. જનતા જૂથ અકસ્માત વીમા યોજનામાં આપવામાં આવતા વીમા સુરક્ષા કવચને બમણું એટલે કે બે લાખથી ચાર લાખ કરવામાં આવ્યું છે. આ વીમા કવચનો લાભ લગભગ 4 કરોડ 45 લાખથી વધુ લોકોને મળશે એમ પણ ઉમેર્યું હતું.
આ પણ વાંચો…અંજારના છ મંદિરમાં ચોરી કરનારાના ગામના જ નીકળ્યા
નાણામંત્રી અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા
સીએમ ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગજનો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે દિવ્યાંગો માટેની પાત્રતા 80 ટકાથી ઘટાડીને 60 ટકા કરી છે. આના પરિણામે 85 હજારથી વધુ દિવ્યાંગો લાભાર્થી બનશે. ગુજરાતની પ્રગતિને વધુ તેજ બનાવનારું તેમજ વિકાસની ધારાથી કોઈ વર્ગ બાકાત ન રહી જાય તેવું સર્વગ્રાહી બજેટ આપવા માટે નાણામંત્રી અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા.