Breaking News: અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં થઈ મોટી ચૂક, જાણો વિગત

અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ખામી સામે આવી હતી. અમદાવાદના બોપલમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત જતી વખતે તેમના કાફલામાં અજાણી કાર ઘૂસી ગઈ હતી. જેને લઈ થોડીવાર માટે પોલીસના શ્વાસ પણ અદ્ધર થઈ ગયા હતા. અમદાવાદના સાઉથ બોપલ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત ઑક્સિજન પાર્કનું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે નવનિર્મિત ઑક્સિજન પાર્કની મુલાકાત પણ લઈને વૃક્ષારોપણ પણ કર્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે તૈયાર કરાયેલા આ ઓક્સિજન પાર્ક આશરે 1900 ચો.મી. વિસ્તારમાં નિર્માણ પામ્યો છે. જેમાં બેઠક માટે આકર્ષક ગજેબો, આકર્ષક વોકિંગ ટ્રેક બનાવાયા છે. આ ઉપરાંત વિવિધ જાતોના ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સફેદ ચંપા, નાળિયેરી, મોગરા, મધુકામિની, બોરસલી, બીલીપત્ર, ગરમાળો, પીન્ટુ ફોરમ, લીમડો, બદામ, ગુલમહોર, સાગ, કેસુડો, કેસિયા ગુલાબી સહિતના અનેક વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં મિશન મીલીયન ટ્રીઝ અભિયાન અંતર્ગત કુલ 75 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
Also read: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – 2025નો પ્રારંભ
અમદાવાદ શહેરમાં કેટલા ઓક્સિજન પાર્ક છે?
અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કુલ 319 જેટલા ઓક્સિજન પાર્ક/અર્બન ફોરેસ્ટ તૈયાર કરાયા છે. જેમાં મધ્ય ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 84, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 59, ઉત્તર ઝોનમાં 36, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 68, દક્ષિણ ઝોનમાં 29 અને પશ્રિમ ઝોનમાં 43 ઓક્સિજન પાર્ક/અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે.
શહેરમાં કેટલા છે ગાર્ડન
શહેરમાં કુલ 303 જેટલા ગાર્ડન આવેલા છે. છે જેમાં મધ્ય ઝોનમાં 20, પૂર્વ ઝોનમાં 28, ઉત્તર પશ્રિમ ઝોનમાં 28, ઉત્તર ઝોનમાં 43, દક્ષિણ પશ્રિમ ઝોનમાં 29, દક્ષિણ ઝોનમાં 31, પશ્રિમ ઝોનમાં 81 અને રિવરફ્રન્ટ વિસ્તારમાં 5 મળી કુલ 303 ગાર્ડનનો સમાવેશ થાય છે.