સીએમ ભૂપેન્દ્ર પટેલે ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન હેઠળ સાબરમતીમાં વૃક્ષારોપણ કર્યું
અમદાવાદમાં ૭ સપ્ટેમ્બર સુધીમાં ૪૦ લાખથી વધુ રોપાનું વાવેતર પૂર્ણ

અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત રાણીપ વોર્ડમાં સાબરમતી જેલ પાછળના ગાર્ડનમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં પદાધિકારીઓ સાથે સામુહિક વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘એક પેડ માં કે નામ’ અને ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાનમાં વૃક્ષારોપણ કરીને હરિત ગુજરાતનો સંદેશ આપ્યો હતો, સાથે સાથે નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા, તેમનું સંરક્ષણ કરવા અને હરિયાળું ગુજરાત બનાવવામાં સહભાગી થવા માટે આહ્વાન કર્યું હતું.
શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મોટી સંખ્યામાં વૃક્ષો વાવવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. આ વર્ષે ફોર મિલિયન ટ્રીઝ અભિયાન માટે કરવામાં આવેલ સચોટ સૂક્ષ્મ આયોજન અને તે મુજબની વાસ્તવિક અમલવારીના કારણે તારીખ ૭ સપ્ટેમ્બર સુધીમાં ૪૦ લાખ ૮૦ હજાર ૧૮૦ રોપાનું વાવેતર પૂર્ણ થયું છે.
આ પણ વાંચો: ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’: ભૂપેન્દ્ર પટેલે ‘સિંદૂર વન’ના નિર્માણનો કરાવ્યો શુભારંભ
એટલું જ નહિ, પવિત્ર શ્રાવણ માસના ચાર સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ઝોનમાં કુલ ૫૪,૮૮૩ તુલસીનું વિતરણ-વાવેતર કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસમાં આવતી અગિયારસના દિવસે તમામ ઝોનમાં ધાર્મિક મહત્ત્વ ધરાવતા કદમ, પીપળો, સમી, સેવન, સીતાઅશોક અને બીલી જેવા વૃક્ષો મળી કુલ ૪૯૧ વૃક્ષોનું વિતરણ-વાવેતર કરવામાં આવ્યું હતું. વડા પ્રધાનના જન્મદિન 17મી સપ્ટેમ્બરે અમદાવાદ શહેરના દરેક વોર્ડમાં એક ધાર્મિક સ્થળે તુલસી વિતરણના કાર્યક્રમ દ્વારા 12,820 તુલસીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદને ‘ગ્રીન સિટી’ બનાવવાની નેમ: 40 લાખ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક
આ મિશન ૪ મિલિયન ટ્રીઝ અંતર્ગત વૃક્ષારોપણ માટેના સ્થળો ગુગલ મેપથી શોધવામાં આવે છે આ ઉપરાંત દરેક વાવેતર સ્થળનું જીઓ ટેગિંગ કરવામાં આવ્યું છે અને એલઆઈડીએઆર સર્વે ટેકનોલોજી દ્વારા વૃક્ષોની વૃદ્ધિ અને સર્વાઇવલ રેટનું મોનિટરીંગ પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.