માહિતી ખાતાની નવા કલેવર સાથેની યુઝર ફ્રેન્ડલી વેબસાઈટ લોંચ કરાઇ…

અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે માહિતી ખાતાની નવા કલેવર સાથેની યુઝર ફ્રેન્ડલી વેબસાઈટનું ગાંધીનગરમાં લોંન્ચિંગ કર્યુ હતું. આ વેબસાઈટમાં પત્રકારો અને સામાન્ય જનતા સરળતાએ વિવિધ પ્રેસનોટ, પ્રકાશનોનો લાભ લઈ શકશે.

મુખ્ય પ્રધાને લોંચ કરેલી માહિતી ખાતાની નવિનતમ વેબસાઈટને વધુ યુઝર ફ્રેન્ડલી અને મોબાઈલ ફ્રેન્ડલી બનાવવામાં આવી છે. જેમાં જૂની વેબસાઈટ કરતાં ઘણા વધારે ફિચર પણ એડ કરવામાં આવ્યા છે. જે યુઝરને વધારે ઉપયોગી બની રહેશે. નવી વેબસાઈટમાં પ્રેસનોટને ટેક્સ્ટ ફોર્મેટ, વિડીયો, ફોટો સાથે મલ્ટીમીડિયા ફોર્મેટમાં અપલોડ કરવામાં આવશે. તેમજ પ્રેસનોટને જિલ્લા, વિભાગ અને તારીખ પ્રમાણે ફિલ્ટર કરીને જોઈ શકાશે અને તેને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર સીધા શેર કરી શકાશે.

આ ઉપરાંત માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતા પ્રકાશનોને વાંચવાની, ડાઉનલોડ કરવાની તથા તેને કેટલા વપરાશકર્તાઓએ એક્સેસ કર્યું તે જાણવાની વ્યવસ્થા છે. આ વેબસાઈટમાં ફોટો અને વીડિયો બેન્ક માટે આર્કાઇવ, તારીખ અને કાર્યક્રમ મુજબ શોધી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્યના પત્રકારોને વિવિધ પ્રમાણભૂત સગવડો અને લાભો સરળતાથી પ્રાપ્ત થાય તે માટે અક્રેડિટેશન કાર્ડ પોર્ટલને આ વેબસાઈટ સાથે જોડવામાં આવ્યું છે. તે ઉપરાંત વિવિધ કાર્યક્રમોના પત્રકારના પાસ માટેના ગેઇટ પાસ પોર્ટલને વેબસાઈટ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે.